ખુલ્લામાં ચૂંટણી પ્રચાર પર દિલ્હી હાઈકોર્ટની કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચને નોટિસ
નવી દિલ્હી, તા. 8 : કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે દેશની સામાન્ય જનતાને માસ્ક, સામાજિક અંતરની સલાહો આપીને ચૂંટણીપ્રચાર માટે પોતે ખુલ્લા ફરતા નેતાઓ પર નિશાન સાધતાં દિલ્હીની વડી અદાલતે ગુરુવારે આ મામલે એક અરજી ધ્યાને લઈને કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને નોટિસ આપી છે.
ચૂંટણીપંચ દ્વારા કોરોના સંબંધિત દિશાનિર્દેશો અપાયા છે, તેનો ભંગ કરતા પ્રચારકો, ઉમેદવારોને ચૂંટણી પ્રચાર કરતા રોકવાની માંગ સાથે ઉત્તરપ્રદેશના પૂર્વ ડીજીપી અને સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમિક ચેન્જના પ્રમુખ વિક્રમસિંહે અરજી કરી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી. એન. પટેલ અને ન્યાયમૂર્તિ જસમિતસિંહની ખંડપીઠે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચ પાસેથી જવાબ માગ્યો છે.
અરજદાર વિક્રમસિંહના વકીલ વિરાંગ ગુપ્તાએ એવી દલીલ કરી હતી કે, માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવા તમામ અધિકારી એકમત છે, તો આ નિયમ ચૂંટણી પ્રચારમાં કેમ લાગુ નથી કરાતો ?
પ્રચારકો, ઉમેદવારો, નેતાઓ માસ્ક કેમ નથી પહેરતા, તેવા સવાલ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચ પાસેથી 30 એપ્રિલ સુધી જવાબ માગ્યો છે.
કેન્દ્ર સરકાર તરફથી સ્થાયી અધિવક્તા અનુરાગ અહલુવાલિયાએ વડી અદાલતની નોટિસ સ્વીકારી હતી.
‘નેતાઓ માસ્ક કેમ નથી પહેરતા ?’
