રાજકોરોનાકોટ : ગુરુવારે 427 કેસ

રાજકોરોનાકોટ : ગુરુવારે 427 કેસ
- આઠ દિવસમાં 2696 કેસ અને 140ના મૃત્યુ: હોસ્પિટલમાં બેડથી માંડી રેમડેસિવીર ઇન્જેકશનની  સમસ્યા : ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ મંત્ર ભૂલાયો
 
રાજકોટ,તા. 8 : ગુજરાતમાં કોરોના મહામારી બેકાબુ બની છે. મહાનગરો જ નહીં નાના નગરોમાં ય કોરોના કેસ વધતા જાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગૃહશહેર રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ અકલ્પનીય છે. સત્તાવાર રીતે જેટલા કેસ જાહેર થાય છે એનાથી કેસની સંખ્યા અને મૃત્યુનું પ્રમાણ વધુ છે. ગુરુવારે રાજકોટમાં સૌથી વધુ 427 કેસ નોંધાયા છે અને 31 મૃત્યુ થયા છે. છેલ્લા આઠ દિવસની વાત કરીએ 2696 કેસ નોંધાયા છે અને 140 લોકોના મૃત્યુ થયા છે.
સૌથી મોટી સમસ્યા હોસ્પિટલમાં બેડની છે. ખાનગી 12 હોસ્પિટલમાં છે ત્યાં વેઇટિંગ ચાલે છે. ત્યાંથી લઇ સ્મશાનમાં વેઇટિંગ ચાલે છે. સરકારી હોસ્પિટલમાં પણ બેડની સમસ્યા શરૂ થઇ છે. અત્યારે 237 બેડ ખાલી છે એ સામે કેસની સંખ્યા ઘણી વધુ છે.
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કોવિડ મેનેજમેન્ટ પર ભાર મૂક્યો. પણ સમસ્યા એ છે કે, ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ કે જે સૌથી અસરકારક ઉપાય છે એનો અમલ થતો નથી. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન કરવા જરૂરી છે. રાજકોટ પર આસપાસના નગરોનું ભારણ પણ રહે છે એટલે રાજકોટ આસપાસના તાલુકા કેન્દ્રોમાં આઈસોલેશન અને બેડ વધારવાની જરૂર છે.
રેમડેસિવીર અને કોરોના દવાની પણ સમસ્યા છે. તંત્ર કહે છે પુરતો સ્ટોક છે પણ બજારમાં મળતા નથી. મળે તો ઊંચો ભાવ લેવાય છે. કાળાબજાર થાય છે. ખાનગી હોસ્પિટલોમાં પણ 900 રૂ.નાં રેમડેસિવીર ઇંજેકશનનો ભાવ વધુ પડતો લેવાય છે. સરકારે જેમ કોરોના સારવારનો દર નક્કી કર્યો છે એ રીતે હેમડેસિવીર મુદ્દે ભાવ નક્કી કરે એ જરૂરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે શુક્રવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે આ પ્રશ્નોના ઉકેલની આશા રહે છે.
શહેરમાં વેક્સિનેશન અને ટેસ્ટીંગ કરવામાં તંત્ર પાસે સ્ટાફ ઘટી રહ્યો છે તેમજ શહેરમાં કોરોનાની સારવાર માટેના બેડની સંખ્યા જેટલી વધારાય છે તેનાથી ડબલ કોરોના પોઝિટિવ દરદીઓ આવતા હોવાથી બેડ પણ ઓછા પડે છે. જો કે, કોરોનાના બેડ તેમજ રેમડેસિવીર ઈન્જેક્શનનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવાના દાવાઓ સામે જમીની હકીકત કંઈક જુદી હોવાના પુરાવા મળી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું ચિત્ર સ્પષ્ટ થાય છે કે, સ્થાનિક તંત્ર સુવિધાઓ બાબતે ઉણું ઉતરી રહ્યું છે અને લોકોની દુવિધા વધતી જાય છે.
રાજકોટ જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધવા સાથે મૃત્યુઆંકનો ગ્રાફ પણ ઉપર જઈ રહ્યો છે. જો કે, વેક્સિનેશનથી કોરોનાગ્રસ્ત દરદીના મૃત્યુની શક્યતા ઘણી ઘટી જતી હોવાથી 1 એપ્રિલે રાજ્યના મુખ્ય સચિવે કલેક્ટરને વેક્સિનેશન વધારવા અને મૃત્યુઆંકને કાબુમાં લેવા સૂચના પણ આપી હતી. પરંતુ અત્યારસુધીમાં વેક્સિનેશનમાં તંત્રને પુરતી સફળતા મળી નથી અને મૃત્યુઆંક ઘટવાને બદલે વધતો જાય છે.
રાજકોટ જિલ્લામાં પહેલી એપ્રિલે 223 કેસ નોંધાયા હતા અને 11 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જે બાદ કેસમાં ઉતાર-ચઢાવ થયો હતો અને આઠ દિવસમાં 2696 કેસ નોંધાયા હતા. પરંતુ મૃત્યુઆંક સતત વધતો જતો હોવાથી આઠ દિવસમાં મૃત્યુઆંક ત્રણ ગણો વધી ગયો અને 140 દરદીનો કોરોનાએ ભોગ લઈ લીધો છે. જેની સામે આઠ દિવસમાં 1274 દર્દી કોરોના મુકત થયા છે એટલે કે રોજ આવતા કેસ સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા અડધી છે. જેનાથી રીકવરી રેટ પણ ઘટીને અત્યારે 90 ટકાથી ઓછો થયો છે. મૃત્યુઆંક સતત વધતો રહ્યો અને સ્મશાનમાં મૃતદેહના થપ્પા લાગેલા હોય છે. તેવી જ રીતે આરટી-પીસીઆર ટેસ્ટમાં કેસ વધુ આવતા હોવા છતાં આરોગ્ય તંત્ર ઓછા કેસ બતાવી રહ્યું હોવાનું પુરવાર થયું છે.
બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં 87 અને ખાનગી હોસ્પિટલોમાં 150 મળીને કુલ 237 બેડ જ કોરોનાની સારવાર માટે ખાલી છે. સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરના પાંચેય માળ હાઉસફૂલ થઈ ગયા છે અને ટ્રોમા સેન્ટર તથા ઓપીડીમાં કોરોનાગ્રસ્ત દરદીઓ માટે વધુ 200 બેડ શરૂ કરાયા છે. બેડ ઉપરાંત ઓક્સિજનની સુવિધા વધારવામાં આવી છે અને જથ્થો પુરતો હોવાનો તંત્રએ દાવો કર્યો છે. તેવી જ રીતે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં 200 અને ખાનગી હોસ્પિટલોમાં 100 રેમડેસિવીર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.
આજે રાજકોટ જિલ્લામાં 520 કેસ નોંધાયા હતા, જેમાંથી શહેરના 427 કેસનો સમાવેશ થાય છે. તેમાંય આજે શહેરમાં કોરોના ટેસ્ટીંગ માટેના 6 બુથમાં જ કરાયેલા 935 લોકોના ટેસ્ટમાંથી કુલ 260 લોકો પોઝિટિવ આવ્યા હતા. જેમાં રામાપીર ચોકડી ખાતે 90 ટેસ્ટમાંથી 21 પોઝિટિવ, રૈયા ચોકડીએ 340 ટેસ્ટમાંથી 91 પોઝિટિવ, મવડી ચોકડીએ 98 ટેસ્ટમાં 27 પોઝિટિવ, કેકેવી હોલ ચોકમાં 221 ટેસ્ટમાં 68 પોઝિટિવ, બાલાજી હોલ પાસે 74 ટેસ્ટમાંથી 24 અને ભક્તિનગર સર્કલ પાસે બુથ પર કરાયેલા 112 ટેસ્ટમાંથી 29 લોકો પોઝિટિવ આવ્યા હતા.
----------------
કોરોનાની સ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્યમંત્રી રૂપાણી આજે રાજકોટ આવશે
રાજકોટ, તા. 8: રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા જતાં સંક્રમણના પગલે કોરોનાની સ્થિતિ, સારવાર સહિતની બાબતોની જાણકારી મેળવવા અને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ તા. 9મીએ સવારે રાજકોટ આવશે. મુખ્યમંત્રી રૂપાણી શહેરના કલેકટર, મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર, કોરોનાના સંદર્ભમાં ખાસ ફરજ પર મુકાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવા સહિતની બાબતે વિચાર વિર્મશ કરશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer