‘લોકડાઉન નહીં, કોવિડ મેનેજમેન્ટ જરૂરી’

‘લોકડાઉન નહીં, કોવિડ મેનેજમેન્ટ જરૂરી’
-કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક : ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ ઉપર ભાર આપવા કહ્યું, 11થી 14 એપ્રિલ રસીકરણ ઉત્સવ ઉજવવા સૂચન
 
નવી દિલ્હી, તા. 8: કોરોના વાયરસની ગંભીર બનેલી બીજી લહેર વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કોરોનાની વિકરાળ સ્થિતિ અને રસીકરણ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ બેઠક દરમિયાન કહ્યું હતું કે, દેશ ફર્સ્ટ વેવ પીક ક્રોસ કરી ચૂક્યો છે અને હવે સંક્રમણ પહેલા કરતા વધારે છે. જે ચિંતાનો વિષય છે. પીએમએ આ દરમિયાન ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ ઉપર વધારે ધ્યાન આપવા કહ્યું હતું અને સંપૂર્ણ લોકડાઉન નહીં પણ કોવિડ મેનેજમેન્ટની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. પીએમએ વાતચીત દરમિયાન 11થી 14 એપ્રિલના રસીકરણ ઉત્સવ મનાવવામાં આવે અને વધુમાં વધુ લોકોને રસી અપાવવામાં આવે. આ સાથે રાજ્યોને કહ્યું હતું કે, કોરોના વાયરસના કેસ
વધવાથી ચિંતા કરવાને બદલે તેને નિયંત્રણમાં લાવવા માટે વધારે મહેનત કરવામાં આવે. આ સાથે કોરોના સંક્રમણ દર 5 ટકાથી નીચે લાવવા ઉપર ભાર મૂકવા અને નાઈટ  કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ તરીકે ઓળખવા કહેવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કોરોનાથી બચાવ માટેનાં સૂચનો માગ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, ફરી એક વખત પડકારજનક સ્થિતિ બની રહી છે. અમુક રાજ્યોમાં પડકાર વધી રહ્યો છે. આ વખતે લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને પ્રશાસન પણ ઢીલાશ વર્તી રહ્યું છે. તેવામાં ફરી એક વખત યુદ્ધનાં ધોરણે કામ કરવું પડશે. પીએમએ કહ્યું હતું કે, દુનિયાભરમાં નાઇટ કર્ફ્યૂનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે નાઇટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ તરીકે યાદ રાખવું જોઈએ.
 આ ઉપરાંત કોરોનાને રોકવા માટે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉપર ધ્યાન આપવું જરૂરી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વખતે કોરોના સામે લડવા માટેના તમામ ઉપાય છે. રસી પણ છે. જો કે પહેલાના મુકાબલે લોકો વધુ બેદરકાર બન્યા છે. પીએમ મોદીએ રાજ્યોને આગ્રહ કરતા કહ્યું હતું કે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોનું રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવે. 11થી 14 એપ્રિલ રસીકરણ ઉત્સવ પણ મનાવી શકાશે. જેમાં વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે.
પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોનાના વધતા કેસ વચ્ચે ટેસ્ટિંગ ઉપર જોર આપવું પડશે. શરૂઆતી લક્ષણમાં જ તબીબ પાસે જવું જોઈએ. ટેસ્ટિંગ અને ટ્રેકિંગ વધારવું પડશે અને કોઈપણ ભોગે પોઝિટિવ રેટ પાંચ ટકા જેટલો નીચો લાવવો પડશે. આ માટે લક્ષ્ય 70 ટકા આરટી પીસીઆર ટેસ્ટનો રાખવાનો છે. કોરોનાથી બહાર નીકળવાનો રસ્તો સૌથી વધારે ટેસ્ટિંગ છે. ટેસ્ટ થશે ત્યારે જ તેનું નિવારણ કરી શકાશે. પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ હાજર રહેવાનું ટાળ્યું હતું.
વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન  તથા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, પંજાબ, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. 
---------------
ગુજરાત વધુ અસરદાર રણનીતિ બનાવશે: રૂપાણી
અમદાવાદ તા. 8 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે કોરોના પર ખૂબ જ ઝડપથી નિયંત્રણ મેળવવા ટેસ્ટિગ, ટ્રાકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ એક લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી 40,000 જેટલા આર. ટી. પી. સી. આર. ટેસ્ટ છે. આગામી દિવસોમાં પ્રતિદિન 60,000 જેટલા આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું ગુજરાતનું લક્ષ્યાંક છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સઘન સારવાર થઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં 10 હજાર જેટલા નવા બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જે પૈકીના 1500 બેડ ઓક્સિજન બેડ છે અને 1000 જેટલા આઈ.સી.યુ. બેડ વધારવામાં આવ્યા છે. રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શન તથા અન્ય જીવન રક્ષક દવાઓનો પણ પર્યાપ્ત જથ્થો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
-------------
વડાપ્રધાન મોદીએ લીધો રસીનો
બીજો ડોઝ; લોકોને લેવાની અપીલ
નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી સ્થિત એઇમ્સમાં પહોંચીને 38 દિવસ પછી કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. મોદીએ પહેલી માર્ચના ભારત બાયોટેકની કોવેક્સિનનો  પ્રથમ ડોઝ લીધો હતો. મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, રસીકરણ કોરોનાને નાથવાના ઉપયોમાંથી એક છે. વડાપ્રધાને રસીકરણને પાત્ર છે તેવા તમામ નાગરિકોને સત્વરે રસી લઇ લેવા અપીલ કરી હતી.
વડાપ્રધાનને રસીનો બીજો ડોઝ પણ પોંડીચેરીની સિસ્ટર પી. નિવેદાએ જ આપ્યો હતો. તેમની સાથે પંજાબની નર્સ નિશા શર્મા મોજૂદ રહી હતી.
પૂર્વ નાયબ વડાપ્રધાન-ભાજપના વરિષ્ઠ નેતા 93 વર્ષિય લાલકૃષ્ણ અડવાણીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. તેમણે ગુરૂવારે દિલ્હી સ્થિત એઈમ્સ જઈ વેક્સિન ડોઝનો કોર્ષ સંપન્ન કર્યો હતો

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer