રાજકોટ શહેરમાં ઓક્સિજન બેડની તાતી જરૂર, સંખ્યા વધારવા નિર્ણય

રાજકોટ શહેરમાં ઓક્સિજન બેડની તાતી જરૂર, સંખ્યા વધારવા નિર્ણય
સમરસમાં 500, કેન્સર હોસ્પિટલમાં 200 ઓક્સિજન બેડ તૈયાર કરવાનું આયોજન : 227 દરદી ઓક્સિજનમાં સારવાર હેઠળ

રાજકોટ, તા.7 : રાજકોટ શહેરમાં અન્ય જિલ્લાઓમાંથી કોરોનાગ્રસ્ત દરદીઓ સારવાર માટે આવતા હોવાથી સરકારી
અને ખાનગી હોસ્પિટલોમાં બેડની ઘટ સર્જાઈ રહી છે. બીજી તરફ સામાન્ય બેડ ઉપરાંત હવે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક હોવાથી ઓક્સિજન બેડની પણ તાતી જરૂરિયાત ઉદ્દભવી રહી છે. જેને અનુલક્ષીને શહેરમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારવા વહીવટી તંત્રએ હોસ્પિટલો અને આરોગ્ય તેમજ મનપાના અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો છે.
રાજકોટના પ્રભારી સચિવ ડો.રાહુલ ગુપ્તા, જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અધિક કલેકટર પી.બી.પંડયા સહિતનાઓએ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં શહેરની હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા અંગે ચર્ચા કરી હતી. આ મામલે રાજકોટ જિલ્લા કલેકટરે નિવેદનમાં જણાવ્યું હતુ કે, અત્યારે કોરોનાના કેસમાં વધારો થતાં અૉક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં સમરસ હોસ્પિટલ ખાતે 500 અૉક્સિજન બેડ ઊભા કરવાનું આયોજન છે તેમાંથી 250 બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આ સાથે જ કેન્સર હોસ્પિટલ ખાતે 200 અૉક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ 227થી વધુ દરદીઓની સારવાર ચાલી રહી છે. જેમાં કેન્સર હોસ્પિટલ ખાતે ઓક્સિજનની જરૂરિયાતવાળા 177 દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા 15 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં કુલ 180 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે.
જ્યારે સમરસ હોસ્ટેલ ખાતે કુલ 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે. જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા 50 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલ ખાતે વધારાના બે માળ પર અન્ય 112 દર્દીઓ માટે ઓક્સિજન સભર બેડની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.
 
નર્સિંગ-મેટરનિટી હોમમાં સામાન્ય લક્ષણવાળા દર્દીઓને સારવાર અપાશે
શહેરમાં સતત કોરોના કેસ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે ત્યારે નર્સિંગ હોમ અને મેટરનિટી હોમમાં કોરોનાના સામાન્ય લક્ષણવાળા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવશે. આ અંગે ડોકટરો અને કલેકટરની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ હોય પણ તેમને હોમ કવોરન્ટાઈન થવું ન હોય અને હોસ્પિટલમાં સારવાર મેળવવી હોય તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે શહેરના કેટલાક નર્સિંગ હોમ અને મેટરનિટી હોમમાં બેડ ફાળવવા માટે સંચાલકો અને ડોકટરોને સુચના આપવા કલેકટરના અધ્યક્ષસ્થાને મિટીંગ બોલાવવામાં આવી હતી અને તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી ટૂંક સમયમાં સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે સારવાર શરૂ દેવામાં આવશે. આ સાથે કોવિડની માન્યતા ધરાવતી તમામ હોસ્પિટલોમાં બેડ વધારવા સુચના આપીને તૈયારીઓ કરવા જણાવાયું છે. તેમજ તમામ હોસ્પિટલોમાં 50 ટકા બેડ પણ તંત્ર માટે આરક્ષિત રાખવા માટે તાકિદ કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer