રાજ્યમાં નવા 3575 સાથે કુલ કેસ 3.25 લાખને પાર

રાજ્યમાં નવા 3575 સાથે કુલ કેસ 3.25 લાખને પાર
22 દર્દીના મૃત્યુ, 2217 દરદી ડિસ્ચાર્જ, રિકવરી રેટ ઘટીને 92.90%
 
રાજકોટ જિલ્લામાં રેકર્ડબ્રેક 490 કેસ-24 મૃત્યુ : જામનગરમાં 28 મૃત્યુ પણ સત્તાવાર કોઈ જાહેરાત નહીં !
 
અમદાવાદ, તા. 7: કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણમાં રોજે રોજ કોરોનાના દર્દીઓમાં તથા મૃત્યુઆંકમાં વધારો થતો જાય છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3575 કોરોના કેસ સાથે 22 વ્યક્તિઓના મૃત્યુ થતા નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તો બીજી તરફ 2217 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,05,149 દર્દીઓ કોરોનાને મહાત આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.90 ટકાએ પહોંચ્યો હતો તેમજ આજે રાજ્યમાં 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દી છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 3,05,149 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4620 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં થયેલા મૃત્યુ પૈકી સુરતમાં 10, અમદાવાદમાં 6, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1 અને વડોદરામાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
આજે નોંધાયેલા કોવિડના કેસ અને ડીસ્ચાર્જનો આંક જોઇએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 804 (ડીસ્ચાર્જ 439), સુરતમાં 621 (593), વડોદરા કોર્પો.માં 351 (168), સુરત-198 (162), પાટણમાં 111 (23), વડોદરામાં 106 (5), મહેસાણાં 66 (27), ગાંધીનગર કોર્પો.માં 40 (18), કચ્છમાં 38 (19), મહીસાગરમાં 37 (77), પંચમહાલમાં 33 (40), ખેડામાં 32 (31), દાહોદમાં 29 (11), બનાસકાંઠામાં 26 (0), ભરૂચમાં 22 (17), અમદાવાદમાં 19 (13), આણંદ 19 (0),નર્મદામાં 19 (26), સાબરકાંઠામાં 19 (17), વલસાડમાં 19 (13), નવસારીમાં 15 (3), તાપી 5 (9), અરવલ્લીમાં 3 (0), છોટાઉદેપુરમાં 3 (4), ડાંગમાં 3 (0) તેમજ સૌરાષ્ટ્રના 925 થઇને કુલ 3575 કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રના 925 કેસમાં રાજકોટ શહેરમાં 395 અને ગ્રામ્યમાં 95 મળીને જિલ્લામાં નવા 490 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 28958 થયો હતો. જેમાંથી વધુ 213 દરદી સાજા થયા હતા. તો બીજી તરફ શહેરની સરકારી હોસ્પિટલમાં 22 અને બે ખાનગી હોસ્પિટલમાં 1-1 મળીને જિલ્લામાં વધુ 24 દરદીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતા. અત્યારે શહેરના 1863 અને ગ્રામ્યના 336 મળીને કુલ 2199 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે જિલ્લાના ભાયાવદરમાં 20થી વધુ કેસ નોંધાતા નગરપાલિકા પ્રમુખે એક બેઠક બોલાવીને પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરી હતી. જ્યારે વિંછીયા શહેરમાં 9 તેમજ તાલુકાના જનડામાં 1, પીપરડી આલા ખાચરમાં 6 કેસ નોંધાયા હતા.
જામનગર જિલ્લમાં નવા 202 કેસ નોંધાયા હતા અને 84 દરદી સાજા થયા હતા. બીજી તરફ 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 28 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 1189 થયો હતો. જો કે, આ અંગે તંત્રએ સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. ભાવનગર જિલ્લામાં આજે નવા 90 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 7433 થયો હતો. જેમાંથી 41 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 528 એક્ટિવ કેસ છે. બીજી તરફ શહેરમાં એક અને વલ્લભીપુર શહેરમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે તળાજાની ગર્લ્સ સ્કૂલના ત્રણ શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે અને શાળા સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મોરબી જિલ્લામાં નવા 31 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 3816 થયો હતો. જેમાંથી વધુ 14 દરદી સાજા થતા હવે 278 એક્ટિવ કેસ રહ્યા હતા. આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને ઈન્ચાર્જ ડી.ડી.ઓ. ડી.ડી.જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં 20 કેસ અને 33 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 11 કેસ અને 16 ડિસ્ચાર્જ, દ્વારકામાં 14 કેસ અને 8 તેમજ બોટાદમાં 9 કેસ અને 3 ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે ગીર સોમનાથમાં 13 અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા હતા અને એકેય ડિસ્ચાર્જ થયો નહોતો.
 
બગસરાનાં હામાપુર ગામે કોરોના વિસ્ફોટ કે વાયરલ ઇન્ફેકશન ?

સેંકડો લોકો તાવ-ઉધરસની ચપેટમાં : મામલતદાર, આરોગ્ય અધિકારી દોડી ગયા
બગસરા, તા.7: બગસરા બાનુનાં હામાપુર એક જ દિવસમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ સાથે સેંકડો લોકો તાવ, ઉધરસની ઝપટમાં આવી ગયાનું સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વિગત અનુસાર બગસરા બાજુનાં હામાપુરનાં સરપંચ થાવાણીએ જણાવ્યું હતું કે કેટલાક દિવસથી હામાપુરમાં ઘેર ઘેર માંદગીના ખાટલા ઢળાઇ ગયા છે. સેંકડો લોકો તાવમાં લપેટાઇ ગયા છે જેનાં કારણે ગઇ કાલે એક જ દિવસમાં પાંચ વ્યક્તિના મોતથી હાહાકાર મચી ગયો હતો. લોકો કોરોનાના ડરથી ફફડી રહ્યાં  છે જેની જાણ તંત્રને થતા મામલતદાર સહિત આરોગ્યની ટીમ દોડી ગઇ હતી.
આરોગ્ય અધિકારીના મતે એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિ અન્ય બિમારીનાં કારણે મૃત્યુ થયાનું જણાવ્યું છે. તંત્ર દ્વારા તાકીદે રોગચાળો અટકાવવા પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે  જ્યારે ગ્રામ્ય લોકોએ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમ સરપંચે જણાવ્યું હતું. ફકત કરિયાણા તેમજ જીવન જરૂરી ચીજો માટે દિવસમાં ફકત બે જ કલાક દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer