હવે સરકારી અને ખાનગી કાર્યાલયોમાં પણ રસીકરણ

હવે સરકારી અને ખાનગી કાર્યાલયોમાં પણ રસીકરણ
કેન્દ્ર સરકારે આપેલી મંજૂરી: 45થી વધુ વયનાં 100થી વધુ કર્મચારી હોય ત્યાં લાભ મળશે
 
નવીદિલ્હી,તા.7: કોરોના રસીકરણ અભિયાનની રફ્તાર વધારવા માટે કેન્દ્ર સરકારે હવે સરકારી અને ખાનગી કાર્યાલયોમાં પણ રસીકરણ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત જો કોઈ સરકારી કે ખાનગી કચેરીમાં 100થી વધુ લોકો 4પ વર્ષથી વધુ ઉંમરનાં હશે તો ત્યાં રસીકરણ કરી શકાશે. નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલ દ્વારા આ કામ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આના માટેનાં દિશાનિર્દેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોનાં અધિક મુખ્ય  સચિવો અને મુખ્ય સચિવોને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, રાજ્ય રસીકરણને ઝડપી બનાવવા માટે 11 એપ્રિલથી સરકારી અને ખાનગી કચેરીઓમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરી શકશે. આ પત્ર સાથે વિસ્તૃત નિયમાવલી પણ મોકલવામાં આવી છે.
સામાન્ય રીતે 4પથી પ9 વર્ષનાં લોકો માટે આમાં રસીકરણ કાર્યક્રમો યોજાશે પણ અનેક સેવાઓમાં 6પ વર્ષની વય સુધીનાં લોકો સક્રિય હોય છે. તો આવા સંજોગોમાં તેમને પણ આવા કેન્દ્રોમાં રસી આપી શકાશે. જો કે કર્મચારીઓનાં પરિજનો કે પછી બહારની વ્યક્તિઓને આમાં રસી લેવાની મંજૂરી નહીં હોય. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, કલેક્ટર અથવા તો શહેરી પાલિકાનાં પ્રમુખની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સ આવા કેન્દ્રો માટે મંજૂરી આપી શકશે. આવા કોઈપણ કેન્દ્રને ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જ્યારે તે કાર્યાલયનાં પ0થી વધુ લોકો કોવિન એપ ઉપર રસીકરણ માટે નોંધણી કરાવી ચૂકેલા હશે. આવું કેન્દ્ર શરૂ કરવાં માટેની તૈયારી 1પ દિવસ અગાઉથી થશે.
 
 
રસીકરણમાં અમેરિકાને પાછળ રાખી દેતું ભારત
રોજ 30 લાખથી વધુ લોકોને રસી: અત્યાર સુધીમાં 8.70 કરોડ ડોઝ આપી દેવાયા
નવીદિલ્હી, તા.7: કોરોનાનાં રસીકરણમાં ભારતે અમેરિકાને પણ પાછળ રાખી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે ભારતમાં પ્રતિદિન સરેરાશ 3093861 રસીનાં ડોઝ આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 8.70 કરોડથી વધુ રસીનાં ડોઝ લગાવી દેવામાં
આવ્યા છે.
રસીકરણનાં આંકડા અનુસાર 89 લાખ 63 હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પ્રથમ અને પ3 લાખ 94  હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે અગ્રહરોળનાં કર્મચારીઓમાંથી 97 લાખ 36 હજારથી વધુને પહેલો અને 43 લાખ 12 હજારથી વધુ કર્મચારીને બીજો ડોઝ રસીનો અપાઈ ગયો છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયનાં બુઝુર્ગોમાં 3 કરોડ પ3 લાખને પહેલો અને 10થી વધુ લોકોને રસીનાં બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
4પથી 60ની વચ્ચેની વયનાં લોકોની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2 કરોડ 18 લાખથી વધુ લોકોને પ્રથમ અને 4 લાખ 31 હજારથી વધુ લોકોને બન્ને ડોઝ આપવામાં આવેલા છે. દેશમાં રસીકરણનાં 81મા દિવસે એટલે કે 6 એપ્રિલે 33 લાખ 37 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer