મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં રસીની અછત

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં રસીની અછત
માંડ ત્રણ દી’ ચાલે તેટલો જથ્થો,
બંને રાજ્યોએ ડોઝ માગ્યા :
અછત નહીં થવા દેવાય : હર્ષવર્ધન
નવી દિલ્હી, તા. 7 : કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે કપરાં સંકટ વચ્ચે મહારાષ્ટ્ર પાસે માત્ર ત્રણ દિવસ ચાલે તેટલો જ રસીનો જથ્થો છે. બીજી તરફ આંધ્રપ્રદેશે પણ કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક એક કરોડ ડોઝ માગ્યા છે.
દરમ્યાન મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ એક મોટાં નિવેદનમાં એવી શંકા દર્શાવી છે કે રાજ્યમાં નવો સ્ટ્રેન પ્રવેશી ગયો હોવાથી સંક્રમણ ઝડપભેર ફેલાઇ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, અત્યારે મહારાષ્ટ્રમાં 14 લાખ ડોઝ છે, જે ત્રણ દિવસમાં ખતમ થઇ જશે. અમે દર અઠવાડિયે 40 લાખ ડોઝની માંગ કરી છે.
રસીકરણમાં 85 લાખથી વધુ ડોઝ આપીને દેશભરમાં મહારાષ્ટ્ર મોખરે છે, છતાં અત્યારે હાલત એવી છે કે પૂરતા ડોઝ નહીં હોવાથી રસીકરણ કેન્દ્રો પરથી લોકોને પાછા મોકલી દેવા પડે છે. આંધ્ર સરકાર કહે છે કે અમારી પાસે માત્ર 3.7 લાખ ડોઝ છે. અમે રોજ 1.3 લાખ ડોઝ આપી રહ્યા છીએ.
રસીની અછત અંગે દેશના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, કોઇ પણ રાજ્યમાં રસીની અછત થવા નહીં દેવાય.
---------------
બ્રિટને બાળકો પર એસ્ટ્રાજેનેકા
રસીનાં પરીક્ષણ પર મૂકી રોક
લોહી ગંઠાઈ જવાની ફરિયાદો બાદ ફેંસલો; તકલીફની તપાસ શરૂ કરાઈ
લંડન, તા. 7 : બ્રિટનમાં છથી 17 વર્ષના બાળકો અને કિશોરો પર એસ્ટ્રાજેનેકા રસીનું પરીક્ષણ રોકી દેવાયું છે તેવી જાણકારી ખુદ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આપી છે. હકીકતમાં આ રસી લેનાર કેટલાક લોકોમાં લોહી ગંઠાઈ જવાની ફરિયાદ આવ્યા બાદ આવો ફેંસલો લેવાયો છે. હવે લોહી ગંઠાઈ જવાના કારણની ચોક્કસ જાણકારી મળ્યા બાદ જ ટ્રાયલ શરૂ કરાશે. ખાસ ઉલ્લેખનીય છે કે, બ્રિટન અને યુરોપમાં રસીથી લોહીના ગઠ્ઠા જામી જવાની પરેશાનીઓ પર વ્યાપક ચિંતા ફેલાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer