મુશ્કેલ કામ સૌથી પહેલા કરૂં છું : મોદી

મુશ્કેલ કામ સૌથી પહેલા કરૂં છું : મોદી
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે કર્યો સંવાદ
નવી દિલ્હી, તા. 7 :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી. તેમણે પરીક્ષાને નાનો મુકામ ગણાવતા કહ્યું હતું કે, જીવન ખુબ લાંબુ છે. આ દરમિયાન ઘણા પડાવ આવતા રહેશે. જેથી દબાણ બનવું ન જોઈએ. વર્ચ્યુઅલ રીતે આયોજીત કાર્યક્રમમાં પીએમ મોદીએ ઘણા વિદ્યાર્થીઓના સવાલના જવાબ પણ આપ્યા હતા અને પોતાની કામ કરવાની ઢબ બતાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે તે સૌથી પહેલા મુશ્કેલ કામ કરે છે.
પીએમ મોદીએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી હતા અને પછી પીએમ બન્યા તો ઘણું વાંચવું પડે છે. ઘણું શિખવું પડે છે. બાબતોને સમજવી પડે છે. આ માટે સૌથી મુશ્કેલ કામ પહેલા શરૂ કરે છે. અધિકારીઓ અઘરા કામ પહેલા સામે લાવે છે તેમજ નિર્ણય કરવાની દિશામાં આગળ વધે છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે ડર પરીક્ષાનો નથી પણ અન્ય બાબતોનો છે. આસપાસ એક માહોલ બનાવી દેવાયો છે કે પરીક્ષા જ બધુ છે. જો કે તેનાથી ભાગવુ ન જોઈએ. કસોટીનો અર્થ ખુદને મજબુત બનાવવો થાય છે. એવુ નથી કે પરીક્ષા અંતિમ તક છે. પરીક્ષા  લાંબા જીવન માટે પોતાને મજબુત બનાવવાનો અવસર છે.
વિદ્યાર્થીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સમયને માત્ર ખાલી ન ગણવો જોઈએ. સમય એક ખજાનો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer