કોરોનાની નવી લહેર વધુ ખતરનાક

કોરોનાની નવી લહેર વધુ ખતરનાક
બાળકો, યુવા અને ગર્ભવતી મહિલાઓ બની રહ્યા શિકાર: દિલ્હીના નિષ્ણાતની ચેતવણી
નવી દિલ્હી, તા. 7 : કોરોનાવાયરસની લહેર આ વખતે પહેલાં કરતાં પણ ખતરનાક છે તેની સાબિતી દરરોજ સામે આવતા કેસ આપી રહ્યા છે. દિલ્હીની લોકનાયક હોસ્પિટલના એમડી ડો. સુરેશકુમાર અનુસાર આ વખતે કોરોના સંક્રમિત થનારાઓમાં સૌથી વધુ સંખ્યા યુવાઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓની છે. તેમણે કહ્યું કે નવી લહેર પહેલાં કરતાં વધુ ઝડપથી પ્રસરી રહી છે.
ડો. સુરેશકુમારે જણાવ્યું હતું કે પહેલાં જે લોકો આ મહામારીની ચપેટમાં આવી રહ્યા હતા તેમાં મોટાભાગના બુઝુર્ગ હતા. પરંતુ આ વખતે યુવાઓ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ નિશાન બની રહ્યા છે જે ચિંતાજનક વાત છે. અમે હોસ્પિટલમાં કોરોનાની આ લહેરના સામના માટે અનેક વ્યવસ્થા કરી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં બીજી લહેરના 80 ટકાથી વધુ મામલા લક્ષણ વિનાના છે. હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને કન્ફેડરેશન ઓફ મેડિકલ એસોસીએશન ઓફ એશિયાના અધ્યક્ષ ડો. કે.કે. અગ્રવાલ અનુસાર  મહિલાઓ અને બાળકોમાં કોરોનાનાં લક્ષણ ઓછાં આવે છે પરંતુ તેમણે સાવધાન રહેવાની જરૂર છે.
ડો. અગ્રવાલે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણ આવે તો તેનો અર્થ એ થયો કે કોરોના શરીર પર અસર દેખાડી રહ્યો છે. જો તમે કોઈ પોઝિટિવના સંપર્કમાં આવ્યા હો તો પોતાને આઈસોલેટ કરી લો એ જ આ બાબતનો હલ છે.
---------------
સાવધાન... ભારતમાં 1.15 લાખ નવા દર્દી
 
કુલ દર્દી 1.28 કરોડને પાર, વધુ 630 મોત, સક્રિય કેસો 8.43 લાખથી વધુ : ટેસ્ટનો આંક 25 કરોડને આંબી ગયો
નવી દિલ્હી, તા. 7 : આવનારો એક મહિનો કટોકટીનો છે તેવી સરકારની ચેતવણી વચ્ચે ચિંતામાં વધારો કરતાં બુધવારે દેશમાં કોરોના સંકટ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનો વિક્રમ તોડતાં 1 લાખ, 15 હજાર નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં બીજીવાર એક લાખથી વધુ નવા કેસ આજે આવ્યા છે.
ભારતના વિવિધ ભાગોમાં આજે 1,15,736 નવા કેસ નોંધાતાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા 1.28 કરોડને આંબી 1 કરોડ, 28 લાખ, 1,785 પર પહોંચી ગઇ છે.
દેશમાં 24 કલાક દરમ્યાન વધુ 630 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 1,66,177 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે.
નવા કેસો અને સક્રિય કેસોમાં એક મહિના કરતાં વધુ સમયથી લગાતાર ઉછાળા વચ્ચે પણ મૃત્યુદર 55,250 સક્રિય કેસોનો ઉછાળો આવતાં આજની તારીખે 8,43,473 સંક્રમિતો સાવાર હેઠળ છે.
સતત વધારાના પગલે કુલ્લ સંક્રમિતોની સંખ્યાની તુલનાએ સક્રિય કેસોનું પ્રમાણ વધતું રહીને 6.59 ટકા થઇ ગયું છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 59,856 સંક્રમિતો કાતિલ વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ્લ 1 કરોડ 17 લાખ, 92,135 દર્દીઓ સંક્રમણના સકંજામાંથી છૂટકારો મેળવી ચૂક્યા છે.
દેશભરમાં મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં જેટ ગતિએ વકરી રહેલા સંક્રમણના કારણે સાજા થતા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ ઘટીને 92.11 ટકા થઇ ગયો છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) તરફથી મળતી વિગત મુજબ અત્યાર સુધીમાં થયેલા કુલ્લ પરીક્ષણનો આંક 25 કરોડને પાર કરી ગયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer