મોરબી કલેક્ટર પૈસા ખાતા હોવાનો પૂર્વ ધારાસભ્યનો જાહેરમાં આક્ષેપ

સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર-પૂર્વ ધારાસભ્ય વચ્ચે બોલાચાલી
મોરબી, તા. 7: મોરબીની સિવિલ હોસ્પિટલમાં આજે અધિકારીઓએ મુલાકાત લીધી હતી. એ સમયે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એ વખતે તેમને કલેક્ટર સાથે શાબ્દિક ચકમક ઝરી હતી અને એક તબક્કે તો પૂર્વ ધારાસભ્યએ કલેક્ટરને ‘લાયસન્સ માટે 10 લાખ ખાવ છો’ એવું જાહેરમાં બોલી ગયા હતા. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મોરબી પંથકમાં ખળભળાટ મચ્યો છે.
કોરોનાના કેસ વધતા ગાંધીનગરથી અધિકારીઓ દોડી આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગરથી આવેલા અધિકારી બારોટ તેમજ કલેક્ટર જે બી પટેલ વગેરે પરિસ્થિતિની સમીક્ષા કરવા ગયા હતા. એ વેળાએ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં ગયા હતા અને કલેક્ટર સાથે ચકમક ઝરી હતી. તેઓ મદદ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલમાં વ્યવસ્થાની રજૂઆત કરતી વખતે પૂર્વ ધારાસભ્ય ઉગ્ર બની કલેક્ટરને ખરી ખોટી સંભળાવી હતી.  દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે બેડ વધારવા સહિતની સુવિધાઓ માટે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલમાં 100 બેડ તેમજ ખાનગી હોસ્પિટલમાં હાલમાં 250 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને વધુ દર્દીઓને સારવાર મળી શકે તે માટે ખાનગી હોસ્પિટલોને સારવાર માટે મંજૂરી આપવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer