સાસણની થશે કાયાપલટ

રૂ. 38 કરોડની યોજના: મ્યુઝિયમ, ચિલ્ડ્રન પાર્ક, એન્ક્લોઝ પાર્ક, 100 ફૂટ ઊંચા ટાવર પરથી જંગલનો નજારો
અનિલ પાઠક
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વમાં એકમાત્ર એશિયાટીક લાયનના ઘર ગણાતા સાસણગિરમાં મોટાપાયે પ્રવાસીઓની સુવિધાઓ માટે એક મહત્ત્વાકાંક્ષી રીનોવેશન અને બ્યુટીફિકેશનનો પ્રોજેક્ટ 38 કરોડના અંદાજિત ખર્ચથી શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટની વિગતો આપતાં પ્રવાસન ખાતાના કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ ફૂલછાબને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સાસણ ખાતે સિંહદર્શન માટે મ્યુઝિયમ, ચિલ્ડ્રન પાર્ક અને સિંહોને કુદરતી વાતાવરણમાં સારી રીતે જોઇ શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
જુદી જુદી વય જૂથના પ્રવાસીઓ માટે-બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક યુવાનો માટે માઉન્ટ આબુ જેવો સનસેટ પોઇન્ટ અને ઉંમરલાયક લોકો પોતાની સાથે સાસણમાં સિંહોની વચ્ચે પોતાની રીતે વોક કરીને ફરી શકે તેવો ખાસ વોકિંગ પથ બનાવવાનું નક્કી થયું છે અને નાનું મોટુ કામ શરૂ પણ થઇ ગયું છે.
તેવી જ રીતે આંબરડીમાં બ્યુટીફિકેશન અને રિનોવેશન લગભગ 30 કરોડના ખર્ચે શરૂ થઇ ચૂક્યું છે. જે અન્વયે પ્રવાસીઓ પોતાની ગાડીઓ લઇને સીધા જ પાર્કિંગ સ્લોટમાં જઇ શકે અને ત્યાંથી દૂર એર કન્ડીશન્ડ રેસ્ટોરન્સ પણ બનાવવામાં આવનાર છે.
તેવી જ રીતે પ્રવાસીઓ સિંહો અને અન્ય વન્ય જીવોને નજીકથી નિહાળી શકે તે માટે એન્ક્લોઝ પાર્ક બનાવવાનું નક્કી થયુ છે. આ ત્રણ પોઇન્ટમાં એક આંબરડી બીજુ ધારી અને ત્રીજુ જૂનાગઢ ખાતે બાંધવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
ચાવડાએ જણાવ્યું હતું કે સિંહદર્શન ગેસ્ટ હાઉસને મોટા પાયે રિનોવેટ કરી ત્યાં વધુ પ્રવાસીઓ માટે લોજીંગ અને બોર્ડિંગની વ્યવસ્થા કરાઈ રહી છે. તેવી જ રીતે દેવળિયા પાર્ક ખાતે પણ હાલની સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
સાસણમાં સૌપ્રથમવાર 100 ફૂટ ઊંચો ટાવર ઉભો કરવામાં આવનાર છે જેની ઉપર ચઢીને પ્રવાસીઓ જંગલની વનરાજી અને સિંહોને જોઇ શકે છે. તેઓના જણાવ્યા અનુસાર સાસણમાં સિંહસદન ખાતે જ એક સુંદર અને આકર્ષક મ્યુઝિયમ ઉભું કરવામાં આવનાર છે. આમ પ્રથમવાર સાસણની કાયાપલટ શરૂ કરવામાં આવી રહી છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer