રાત્રી કફર્યૂથી લગ્નના આયોજકો ચિંતામાં ગરકાવ

આયોજનમાં ફેરફારની નોબતથી દોડાદોડી
જૂનાગઢ, તા.7: રાત્રી કફર્યૂની સરકારની જાહેરાતથી લગ્ન પ્રસંગના આયોજકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને અગાઉ ગોઠવાયેલાં આયોજનમાં ફેરફાર કરવાની નોબત ઉભી થઈ છે.  વાસ્તવમાં રાત્રી કફર્યૂ કરતા દિવસ દરમિયાન એકાંતરા કે વિક એન્ડ કફર્યૂની જરૂરિયાત છે. લોકો પણ આવી અપેક્ષા રાખી રહ્યા છે. જૂનાગઢ મહાનગરમાં રાત્રીનાં કામકાજવાળા કરતા નવરા લટાર મારવાવાળા વધારે છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ કફર્યૂ લાદવામાં આવતા ચાલુ માસ કે આગામી માસમાં અગાઉથી જે લગ્નના આયોજનો કરાયા હતા. તેના આયોજકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેઓને હવે તાબડતોબ બીજી વ્યવસ્થા કરવી અઘરી બની છે.
ઉનાળાની સિઝનને ધ્યાને લઈ રાત્રીના લગ્નના આયોજકોએ પાર્ટી પ્લોટ બુક કરાવેલ તેઓ માટે કફર્યૂને કારણે લગ્ન શક્ય નથી અને પાર્ટી પ્લોટ હોવાથી ધોમ ધખતા તાપમાં ખુલ્લામાં લગ્ન કરી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં જે રાત્રીના લગ્નના અગાઉથી આયોજનો ગોઠવાયા છે. તેઓના વર્તમાન કોવિડના નિયમોને આધિન  છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે પરંતુ આવી શક્યતા નહીંવત્ છે, કારણ કે કફર્યૂનો ઉદ્દેશ જ માર્યો જાય તેમ છે.  કોરોનાના નવા વીકથી પ્રજાજનો અનેક રીતે મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ આ કુદરતી કોપ સામે માણસ લાચાર છે. રાત્રી કફર્યૂ લદાયો તેનાથી સંક્રમણને અટકાવવામાં કેટલી સફળતા મળે તે કહેવું મુશ્કેલ છે. દર્દીઓ, તેમના પરિવારજનોની સાથે લગ્ન પ્રસંગના આયોજકોની ઉપાધિ વધી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer