નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓને હવે કોરોનાની સારવારમાં ફરજ

ખાનગી મેડિકલ, આયુર્વેદ, હોમિયોપેથીક છાત્રોને કોરોનાની સારવારના હુકમો
રાજકોટ,તા.7 : કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને બેડની સગવડતા વધારવામાં આવી રહી છે. સિવિલ, સમરસ, કેન્સર સહિતની હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સોની વધુ જરૂરિયાત ઉભી થતા રાજકોટ શહેરની તમામ ખાનગી મેડિકલ, આયુર્વેદ અને હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતા તમામ છાત્રોને કોરોનાની સારવારમાં લેવા માટેના હુકમ રાજકોટ જિલ્લાના કોરોના નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ કર્યા છે.
રાજકોટ શહેરમાં સરકારી હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર શરુ કરી દેવામાં આવી છે. શહેરમાં કોરોના સારવાર માટે નર્સીંગ સ્ટાફની પણ અછત ઉભી થાય તેવા એંધાણ મળતા ગઈકાલે 100 જેટલી નર્સને સરકારી તેમજ સમરસ અને કેન્સર હોસ્પિટલમાં ડયુટી ફાળવવાના હુકમો કરવામાં આવ્યા છે. આ તમામ છાત્રોને રાજ્ય સરકાર દ્વારા મહેનતાણુ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના કોરોના નોડલ  અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ ખાનગી તબીબો, આઈએમએ અને હોટલ સંચાલકો સાથે બેઠક કરી હતી જેમાં શહેરમાં 500 બેડ વધારવામાં આવે તે મુદ્દે ચર્ચા કરીને આગોતરી વ્યવસ્થાઓ શરુ કરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer