તળાજા યાર્ડમાંથી 19 ખેડૂતોના રૂ.1.ર6 લાખના ઘઉંની ચોરી

મજૂરના કોન્ટ્રાકટર સહિતની ટોળકી સામે ફરિયાદ
તળાજા, તા.7 : તળાજા યાર્ડમાં રાજ્ય પુરવઠા નિગમ દ્વારા તળાજાના ડેપો મેનેજરની જવાબદારી હેઠળ સરકાર દ્વારા  ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી હતી અને ખેડૂતો ઘઉં વેચવા આવ્યા હતા ત્યારે મજૂરના કોન્ટ્રાકટર  અને મજૂરો દ્વારા ઘઉંના જથ્થાની ચોરી કરવામાં આવી હોવાના મામલે ભારે ઉહાપોહ મચી ગયો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગે તળાજા પોલીસે રોયલ ગામે રહેતા જયદીપ ભાનુશંકર ભટ્ટ સહિત 19 ખેડૂતોના રૂ.1.ર6 લાખની કિંમતના 3ર0 મણ ઘઉંનો જથ્થો ચોરાઇ ગયાનો ગુનો નોંધ્યો હતો. જયદીપ ભટ્ટ ઉપરાંત મુકેશ રામભાઈ ચાવડા, રાવત રામભાઈ ચાવડા, ભોજુ રામભાઈ ચાવડા, જીણકુ અરજણ ચાવડા, પ્રકાશ અરજણ ચાવડા, ધીરુ રાયમલ ચાવડા, હરપાલસિંહ બબુભા ગોહિલ, વિરમદેવસિંહ ટેમુભા ગોહિલ, ચકુર ગણેશ ટાઢા, મનજી ખાટાભાઈ ખરક, ધનજી ખાટાભાઈ ખરક, જુનીભાઈ ભીખાભાઈ ટાઢા, રામજી માધાભાઈ ભુત, વિઠ્ઠલ માધા ભુત, થોભણ અરજણ ભુવા, રઘા નાજા ડાભી, જશુભા સતુભા ગોહિલ, વાલજી છગન ડાભી સહિતના ખેડૂતોનો સમાવેશ થાય છે.
આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મજૂરના મુકાદમ રમેશ જીવા રબારી સહિતના અન્ય મજૂરો ઘઉંની ચોરી કરતા હોવાના ફૂટેજ મળતા પોલીસે તમામની શોધખોળ શરૂ કરી હતી. આ મામલે મામલતદાર સહિતના સ્ટાફ દ્વારા પંચકામ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ડે.કલેકટરે જણાવ્યું હતું કે આ પ્રકરણમાં કસુરવાર અધિકારીને સસ્પેન્ડ નહીં પરંતુ ડીસમીસ કરવામાં આવશે. તેમજ રમેશ રબારીની વાતચીતની ઓડીયો ક્લિપ વાયરલ થઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer