ડુમસમાં વૃધ્ધની હત્યા કરીને રૂ. ચાર લાખની લૂંટ કરનાર પાંચ શખસ ઝડપાયાં

સુરત, તા. 7: સુરત પાસેના ડુમસમાં કાંદી ફળિયામાં એકલા રહેતાં નિવૃત્ત એન્જિનિયર ભુપેન્દ્રભાઇ પટેલની હત્યા કરીને રૂ. ચાર લાખની લૂંટ કરવા અંગે પાંચ શખસને પોલીસે ઝડપી લીધા હતાં. આ શખસોને મુંબઇની મહિલાએ વૃધ્ધના ઘરમાં કરોડો રૂપિયા હોવાની ટીપ આપી હતી. આ શખસો પાસેથી રૂ. 2.46 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
વૃધ્ધની હત્યા અને લૂંટ કરવા અંગે દેવધ ગામના આનંદી હાઇટસના પ્રતાપ હરસુખ ઉર્ફે ચીના ગીડા, દેવધના ગોડાદરાના વિશાલ લાખાભાઇ વાણિયા, કેતન રમેશભાઇ હડિયા, મુંબઇના કલ્યાણના મિથુન ઉર્ફે શેટ્ટી મોહનભાઇ વાણિયન, વરલી વેસ્ટના પ્રેમનગરના પિન્ટુ અર્જુનભાઇ ચૌધરીને ઝડપી લેવાયા હતાં.
આ અંગેની વિગતો આપતા પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે,પાંચ દિવસ પહેલા ડુમસના કાંદી ફળિયા દુકાન મહોલ્લામાં એકલા રહેતાં નિવૃત્ત એન્જિનિયર 61 વર્ષના ભુપેન્દ્રભાઇ ગોવિંદભાઇ પટેલના મકાનનો પાછળનો દરવાજો રાતના સમયે તોડીને ધાડપાડુઓ ત્રાટકયાં હતાં. ભુપેન્દ્રભાઇના માથામાં પિસ્તોલનો કુંદો મારી ઇજા કરી હાથ-પગ બાંધી દઇને લૂંટ કરવામાં આવી હતી.  સવારે બાજુમાં રહેતા તેમના માતા ઘેર આવ્યા ત્યારે હત્યા અને લૂંટની જાણ થઇ હતી. આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે વાંઝગામથી ખરવાસા જતાં રસ્તા પરથી નહેર પાસેથી હત્યા અને લૂંટમાં સંડોવાયેલા પાંચ શખસને ઝડપી લેવાયા હતાં. તેની પાસેથી બે પિસ્તોલ, એક લાખની રોકડ, આઠ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.46 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પ્રતાપ હરસુખ ઉર્ફે ચીના ગીડાને તા. 27મીએ  મુંબઇમાં રહેતી એક મહિલાએ ફોન કરીને એવી ટીપ આપી હતી કે, ડુમસમાં રહેતી તેની બહેન ચેતનાના ઘરની બાજુમાં રહેતાં ભુપેન્દ્રભાઇ પાસે જમીન વેંચાણના રૂ. ત્રણથી ચાર કરોડ આવ્યા છે, તે એકલા રહે છે. તેના ઘરમાં લૂંટ કરવાથી મોટી રકમ મળે તેમ છે.
આ ટીપ પરથી પ્રતાપ અને તેના સાગરીતોએ ભુપેન્દ્રભાઇના ઘરની રેકી કરીને લૂંટનો પ્લાન ઘડયો હતો. આ માટે પુણા વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કરી હતી. લૂંટ કરવા માટે ભુપેન્દ્રભાઇના ઘરમાં ઘુસ્યા હતાં. ત્યારે ભુપેન્દ્રભાઇ જાગી જતાં તેના માથા પર પિસ્તોલનો કુંદો મારીને તેના હાથ પગ બાંધીને લૂંટ કરીને નાસી ગયા હતાં.આ શખસોને ઘરમાંથી રૂ.ચાર લાખની રોકડ રકમ મળી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણને ઝડપી  પાડવા પ્રયાસ ચાલે છે.
મુંબઇમાં 160 કરોડની લૂંટ કરવી’તી
આ લુટારુ ટોળકીએ મુંબઇના બદલાપુર ખાતે  વાગણી હાઇ-વે પર એક બંગલામાં રૂ. 160 કરોડની લૂંટ કરવાની યોજના બનાવી હતી. એ જગ્યાની રેકી પણ કરી હતી.આ લૂંટને અંજામ આપવા માટે સાધન સામગ્રીની તથા નાણાથી જરૂર હોય ભુપેન્દ્રભાઇના ઘરમાં લૂંટ અને હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
મુખ્ય સૂત્રધાર સામે જૂનાગઢ-સાવરકુંડલામાં ગુના નોંધાયા છે
હત્યા અને લૂંટના મુખ્ય સૂત્રધાર પ્રતાપ હરસુખ ગીડા સામે જૂનાગઢ અને સાવરકુંડલામાં લૂંટ, અપહરણ, આર્મ્સ એકટ હેઠળ ગુના નોંધાયા છે. પિન્ટુ ચૌધરી સામે મલાડ અને કર્ણાટકમાં, કેતન રમેશભાઇ હડિયા સામે જૂનાગઢ, સાવરકુંડલામાં લૂંટ અને આર્મ્સ એકટના ગુના નોંધાયા છે. મિથુન વાણિયન ઉર્ફે રોહીન શેટ્ટી ઉર્ફે બૈરનસિંહ રાણા સામે કર્ણાટક અને મલાડમાં ગુના નોંધાયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer