સરપ્લસ વીજળી છતાં એસ્સાર પાસેથી સરકારે $ 6081 કરોડની વીજળી ખરીદી

સરપ્લસ વીજળી છતાં એસ્સાર પાસેથી સરકારે $ 6081 કરોડની વીજળી ખરીદી
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 7: ગુજરાતે વીજળી ક્ષેત્રે સરપ્લસ હોવાનો દાવો વારંવાર કરાતો આવ્યો છે. સરકાર હસ્તકના વીજમથકોમાં કોઇકને કારણ આપીને તે વીજમથકોમાં વીજળીનું ઉત્પાદન ઘટાડવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ રાજ્યસરકાર દ્વારા પાંચ વર્ષમાં એસ્સાર પાવર પાસેથી 17,489 મિલી. યુનિટ વીજળી ખરીદીને રૂ. 6081 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે એસ્સાર પાવર ગુજરાત સાથે 23 ફેબ્રુઆરી 2007ના રોજ 25 વર્ષ માટે વીજ ખરીદીના કરાર કરવામાં આવ્યા હતા. તે અંતર્ગત 2015-16માં રૂ. 3.58 પ્રતિ યુનિટના દરે 4347  મિલિયન યુનિટ, 2017-18માં પ્રતિ યુનિટ રૂ. 3.60ના દરે 4586 મિલીયન યુનિટ, 2017-18માં પ્રતિ યુનિટ રૂ. 3.36ના દરે 2464 મિલિયન યુનિટ, 2019-20માં પ્રતિ યુનિટ રૂ. 3.35ના દરે 4326 મિલિયન યુનિટ જ્યારે 2020-21માં સપ્ટેમ્બર 2020 સુધીમાં પ્રતિ યુનિટ રૂ. 3.39ના દરે 1779 મિલિયન યુનિટ મળીને કુલ 17,489 મિલીયન યુનિટ વીજળી સરકાર દ્વારા ખરીદવામાં આવી છે.  
રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એસ્સાર પાવરને વીજ ખરીદ્યા સિવાય ફિક્સ કોસ્ટ પેટે એક પણ રકમ ચૂકવવામાં આવતી નથી. જોકે વીજમથકમાંથી ખરીદવામાં આવતી વીજળીનો ખર્ચ વર્ષના અંતે નાણાકીય હિસાબ કરતી વખતે આખર કરવામાં આવે છે અને તે અનુસંધાને જ વીજ ખરીદીનો પ્રતિ યુનિટ દર આખર થવા પામે છે.  રાજ્ય સરકાર દ્વારા એસ્સાર પાવરને 2015-16માં રૂ. 1551 કરોડ (પ્રતિ યુનિટ રૂ. 3.58), 2016-17માં રૂ. 1452 કરોડ (રૂ. 3.60), 2017-18માં રૂ. 827 કરોડ (રૂ. 3.36), 2019-20માં રૂ. 1448 કરોડ (રૂ. 3.35) જ્યારે 2020-21માં સપ્ટેમ્બર સુધીમાં રૂ. 603 કરોડ (રૂ. 3.39) કરોડ મળીને કુલ 6081 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer