રાજ્યનાં ચાર મોટા શહેરમાં પાછલા પાંચ વર્ષમાં સાયબર ક્રાઇમના 1889 બનાવો

રાજ્યનાં ચાર મોટા શહેરમાં પાછલા પાંચ વર્ષમાં સાયબર ક્રાઇમના 1889 બનાવો
ગૃહ વિભાગની અસરકારક કામગીરીથી 2266 ઇસમ જેલના સળિયા પાછળ  
અમદાવાદ, તા.7: દેશભરમાં વેપારોમાં આવેલી મંદી અને તેને લઈને વધતી જતી બેરોજગારીનાં કારણે બેરોજગાર યુવાનો ધીમે ધીમે હવે ગુનેગારીના રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં 30 સપ્ટેમ્બર 2020 સુધીનાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રાજ્યનાં ચાર મોટા શહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કુલ 1889 સાયબર ક્રાઇમના ગુના નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 960, રાજકોટ શહેરોમાં 65, સુરત શહેરમાં 686 અને વડોદરા શહેરમાં 178 ગુના નોંધાવા પામ્યા છે.  
વિધાનસભા ગૃહમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા. 30.9.2020 સુધીમાં પાંચ વર્ષ દમરિયાન રાજ્યનાં ચાર મોટા શહેરમાં 1889 સાયબર ક્રાઇમની ફરિયાદો સાયબર સેલને મળી હતી, જેમાં ગત જાન્યુઆરી 2020થી સપ્ટેમ્બર 2020 સુધીમાં અમદાવાદ શહેરમાંથી 334, રાજકોટ શહેરમાંથી 19, સુરત શહેરમાંથી 121 અને વડોદરા શહેરમાંથી 45 ફરિયાદો મળી હતી.  
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યના ગૃહ વિભાગ હસ્તકના સાયબર સેલની ત્વરીત કામગીરીને લઇને 2266 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજુ બીજા 332 ઇસમને પકડવાના બાકી છે. જો કે, પકડવાના બાકી ઇસમો માટે સાયબર સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિશિયન તેમજ લોકોને મદદ લેવામાં આવે છે. અમુક કિસ્સામાં આરોપીઓ દિલ્હીના રહેવાસી હોઈ તેઓની દિલ્હી ખાતે જઈ તપાસ કરતા આરોપીઓ મળી આવ્યા ન હોવાથી તેમના મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ્સની વધુ વિગત મેળવવામાં આવી રહી છે.  
રાજ્યના ગૃહવિભાગ દ્વારા આવા બનાવોને અટકાવવા માટે કોઇ પણ અજાણ્યા ઇસમનો ફોન આવે તો ઓટીપી કે પાસવર્ડ કે ડેબિટ કાર્ડ નંબર ન આપવા સંદર્ભેની જાગૃતિ માટે જાહેર જગ્યાએ પેમ્ફલેટ લગાવવામાં આવે છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત કલાકારોના માધ્યમિક વીડિયો, ઓડિયો ક્લિપ તૈયાર કરીને લોકોમાં પ્રસારિત કરી ગુનાઓ બનતા અટકાવવા કાર્યવાહી કરવામાં આવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer