1000 કરોડના કાળા નાણાંનો પર્દાફાશ

1000 કરોડના કાળા નાણાંનો પર્દાફાશ
નવી દિલ્હી, તા.7 : દક્ષિણ ભારતના અનેક શહેરોમાં અગ્રણી બુલિયન ટ્રેડર્સ અને જ્વેલર્સ પર પાડવામાં આવેલા આયકર દરોડામાં 1000 કરોડના કાળા નાણાંનો પર્દાફાશ થયો છે. સીબીડીટી (કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ) એ રવિવારે આ અંગે માહિતી જાહેર કરી હતી. ચેન્નાઈમાં બે અને તમિલનાડુમાં એક મોટા વ્યવસાયિક જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
બોર્ડે જણાવ્યું કે આયકર વિભાગે 4 માર્ચે ચેન્નાઈ, મુંબઈ, કોયમ્બતુર, મદુરાઈ, તિરૂચિરાપલ્લી, ત્રિસૂર, નેલ્લોર, જયપુર, ઈન્દોર સહિત શહેરોમાં કુલ ર7 સ્થળે દરોડા પાડયા હતા. જેમાં 1.ર કરોડનું કાળ નાણું (બિનહિસાબી) રોકડ રૂપે મળી આવ્યું હતું. સીબીડીટીએ દાવો કર્યો કે બુલિયન ટ્રેડર્સ પર દરોડામાં સામે આવ્યું કે રોકડમાં વેચાણ, નકલી રોકડ ક્રેડિટ, ખરીદી માટે લોનની આડમાં ડમી ખાતાઓ દ્વારા મોટા પ્રમાણમાં રોકડ જમા કરવામાં આવી હતી. ઉપરાંત નોટબંધી વખતે પણ રોકડ જમા કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે.
જ્વેલર્સ પર દરોડામાં જણાયુ કે તેણે સ્થાનિક ફાયનાન્સરો પાસેથી રોકડ ધિરાણ મેળવી ચૂકવ્યા હતા. બિલ્ડરોને રોકડમાં ધિરાણ આપ્યુ અને પછી અચલ સંપતિમાં રોકડનું રોકાણ કરી નાખ્યુ હતું. સંબંધિત જ્વેલર્સે બિનહિસાબી સોનાની ખરીદી કરી હતી. દરોડાની અત્યાર સુધીની કાર્યવાહીમાં 1000 કરોડની બિનહિસાબી આવકનો ભાંડો ફૂટયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer