ગુજરાતમાં રોજના સરેરાશ 6 હિટ એન્ડ રનના કેસ સાથે 4 મૃત્યુ- 3ને ઇજા

ધારાસભ્ય માડમના પ્રશ્નના જવાબમાં ગૃહ પ્રધાને આપી માહિતી
અમદાવાદ, તા. 7: ગુજરાતમાં સરેરાશ રોજના 6 કરતા વધુ હિટ એન્ડ રનના કેસ બને છે જેમાં રોજના 4 વ્યક્તિના મૃત્યુ થાય છે તો બીજી બાજુ રોજના 3 લોકોને ઇજા થાય છે. રાજ્યમાં બેફામપણે લોકો દ્વારા કરાતું ડ્રાઇવીંગ આના માટે જવાબદાર હોવાનું ફલીત થઇ રહ્યુ છે. ગુજરાતમાં વર્ષ 2015થી લઇને 2019ના છેલ્લા પાંચ વર્ષ દરમિયાનમાં હિટ એન્ડ રનના કુલ 11168 બનાવો પોલીસના ચોપડે નોંધાવા પામ્યા છે. જેમાં કુલ 6085 વ્યક્તિઓએ જાન ગુમાવ્યો છે, તો 6,405 વ્યક્તિઓને ઇજા થઇ છે.  ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 2015થી 2019ના પાંચ વર્ષ દરમિયાન કુલ 11,168 હિટ એન્ડ રનના કેસો નોંધાયા હતા. જેમાં 2015માં 2085, 2016માં 1970, 2017માં 2555, 2018માં 2471 અને 2019માં 2087 બનાવોનો સમાવેશ થાય છે.
આ  11,168 હિટ એન્ડ રનના બનાવોમાં 6085 નિર્દોષ વ્યક્તિઓએ તેમના જાન ગુમાવ્યા છે. જેમાં 2015માં 1220, 2016માં 1214, 2017માં 1505, 2018માં 1621 જ્યારે 2019માં 1320 વ્યક્તિઓના મૃત્યુ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ આ હિટ એન્ડ રનના કેસોમાં કુલ 6405 નિર્દોષ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમાં 2015માં 1214, 2016માં 1238, 2017માં 1395, 2018માં 1340 અને 2019માં 1218 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ હિટ એન્ડ રન કેસ કરનારા હજુ 5589 આરોપીઓને પકડવાના બાકી છે. જેમાં અમદાવાદ શહેરના 1287, રાજકોટના 368, સુરત શહેરના 886 અન્ય જિલ્લાના મળીને કૂલ 5589 આરોપીઓ પોલીસની પકડથી બહાર છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer