મોરબીમાં મહિલા બુટલેગરે પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દાટી દીધી

મોરબીમાં મહિલા બુટલેગરે પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દાટી દીધી
મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો : હત્યારાની શોધખોળ

મોરબી, તા.3 : મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતી મહીલા બુટલેગરે તેના બુટલેગર પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ જમીનમાં દાટી દઈ નાસી છૂટયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.પોલીસે બન્ને હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
 આ અંગેની વિગત એવી છે કે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષ અગેચાણીયા નામના યુવાનની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયા  કાંતિનગર વિસ્તારમાં રહેતા બુટલેગર જુમા સાજણ માજોઠી સાથે પ્રેમસંબંધ બંધાતા તેના ઘરમા બેસી ગઈ હતી. આ બાબત શૈલેષ અગેચાણીયાને ગમતી નહોતી. ગત તા.ર7/ થી તા.3 સુધીના સમય દરમિયાન શૈલેષને યાસ્મીન ઉર્ફે આરતી અને જુમા માજોઠીએ કાંતિનગરમાં ઘેર બોલાવ્યા બાદ હત્યા કરી મકાન પાછળ ખાડો ખોદી લાશ દાટી દઈ ફરાર થઈ ગયા હતા. દરમિયાન શૈલેષ લાપત્તા બની જતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહોતી.
દરમિયાન આ મામલે શૈલેષની બહેન સુમિતાબેન સંજય અગેચાણીયાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ કરતા શૈલેષની હત્યા કરી લાશ દાટી દીધાનું ખુલ્યું હતું અને પોલીસે જમીનમાં દાટી દેવાયેલ શૈલેષનો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો.પોલીસે નાસી છૂટેલી યાસ્મીન ઉર્ફે આરતી અને જુમા માજોઠી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
પોલીસની વધુ તપાસમાં મૃતક શૈલેષ કોળી સાથે દેરવટુ કરીને યાસ્મીન ઉર્ફે આરતી બુટલેગર છે અને સામાકાંઠા કાંતિનગર વિસ્તારમાં મોટાપાયે દેશી દારૂનો જથ્થો કરતી હતી અને જુમા માજોઠી પણ બુટલેગર છે. બન્ને વચ્ચે આંખ મળી ગયા બાદ જુમા માજોઠી સાથે રહેતી હતી. પોલીસે બન્નેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer