લીંબડીમાં તસ્કરોનો તરખાટ : 18 દુકાનોના તાળા તોડયા

લીંબડીમાં તસ્કરોનો તરખાટ : 18 દુકાનોના તાળા તોડયા
80થી વધુ વેપારીઓએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ

લીંબડી, તા.3 (ફૂલછાબ ન્યૂઝ):          લીંબડી શહેરના દોલતસાગર તળાવ કાંઠે આવેલી 18 દુકાનોના એક સાથે તાળા તોડીને તસ્કરોએ સ્થાનિક પોલીસને પડકાર ફેંકયો છે.  ફરસાણ, ઈલેક્ટ્રીક, વાસણ, ફર્નિચર સહિતની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવીને તસ્કરોએ પોલીસને દોડતી કરી દીધી હોવાનું કહેવાય છે. બનાવથી ગભરાયેલા અને રોષિત વેપારીઓએ રેલી યોજી, પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ હતું.
અમુક દુકાનોમાંથી સાઈકલ, વાસણ, ઈ.મોટર સહિતનો માલ સામાન, રોકડ સહિતની ચોરી કરી તસ્કરો નાસી છૂટયા છે. વેપારી સવારે દુકાને પહોંચ્યા ત્યારે ઘટના અંગે જાણ થઈ હતી. વેપારીઓનું ટોળું એકઠું થઈ ગયું. શહેરમાં દુકાનો અને ઘરફોડ ચોરીના વધતા બનાવોને પગલે પોલીસ કામગીરીથી રોષે ભરાયેલા વેપારીઓએ બંધનું એલાન આપ્યું હતું.
80થી વધુ વેપારીઓએ રેલી કાઢી પ્રાંત અધિકારી હર્ષવર્ધનાસિંહ સોલંકીને આવેદનપત્ર આપી પોલીસ પેટ્રોલીંગ વધારવા અને ચોર ટોળકીને ઝડપી પાડવા માગ કરી હતી.   પોલીસ થાણેથી મળેલી વિગતોમાં લીંબડી મુખ્ય બજારની જે 18 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા તેમાં ટીપટોપ ફરસાણ, બિન્દુ ચા ઘર, મહાલક્ષ્મી વાસણ, મારૂતી વાસણ, અનીલ બુક સ્ટોર, નિધિ સાબુ,
અલંકાર વાસણ, જાની છીકણીંવાળા, માતંગી સાઈકલ, શ્રીજી ઈલેક્ટ્રીક, હરજીવન ડાયાભાઈની દુકાન, પ્રવિણ હેર આર્ટ,  હરજીવનભાઈની દુકાન, હિતેષ નાગરની દુકાન, માધુરી ટી, જય અંબે ફર્નીચર, નિધિ સેલ્સ અને રોશન નામની દુકાનનો સમાવેશ થાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer