પીપળીના વિજેતા ઉમેદવારની પિતરાઈ બહેનનું અકસ્માતમાં મૃત્યુ

વિજય સરઘસમાંથી ઘરે પરત ફરતી વખતે વેરાવળ પાસે દુર્ઘટના

જામનગર, તા.3 (ફૂલછાબ ન્યુઝ) લાલપુર તાલુકા પંચાયતની પીપળી બેઠકના ભાજપના ઉમેદવાર વિજેતા થયા બાદ આજે વિજય સરઘસ નીકળ્યું હતું.તેમાંથી પરત ફરતી વખતે ઉમેદવારના પિતરાઈ બહેનનું અકસ્માતમાં મૃત્યુ નિપજયું હતું.
પીપળી બેઠકના ભાજપના ઉમેદવાર અશોકભાઈ મકવાણાનો વિજય થયો હોવાથી જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતી અશોકભાઈની પિતરાઈ બહેન પુષ્પાબેન નાથાભાઈ વાઘેલા (ઉ.45) પોતાના ભાઈના વિજય સરઘસમાં હાજરી આપવા માટે પોતાના પતિ નાથાભાઈ રૂપાભાઈ વાઘેલા (ઉ.50) ઉપરાંત બે પુત્રીઓ જાગૃતિબેન અને વંદનાબેન સાથે કારમાં બેસીને સમાણા ગામ લાલપુર ગયા હતા. સરઘસ પૂર્ણ કરીને સાંજે ઘર તરફ જવા માટે લાલપુર-જામજોધપુર રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તેઓની કાર અકસ્માતે રોડ પરથી નીચે ઉતરીને એક સિમેન્ટના પોલ સાથે ટકરાઈ હતી. નાથાભાઈ કાર ચલાવતા હતા જયારે તેમના પત્ની પુષ્પાબેન બાજુની સીટ પર બેઠેલા હતા. બંને પુત્રીઓ પાછળ હતી.કાર ધસમસતી પોલ સાથે ટકરાતા પોલ ભાંગી ગયો હતો. કારની એરબેગ ખુલ્લી ગઈ હોવાથી નાથાભાઈને તેમજ પાછળ બેઠેલી બે પુત્રીઓને સામાન્ય ઈજા થઈ હતી.પરંતુ કાર ચાલકની બાજુની સીટમાં બેઠેલા પુષ્પાબેનને ગંભીર ઈજા થતા જામનગરની હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા પરંતુ માર્ગમાં જ મૃત્યુ નિપજયું હતું.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer