મેક્સવેલની ફટકાબાજી અને સ્પિનર અગરના તરખાટથી T-20માં કિવિઝ સામે કાંગારુનો વિજય

મેક્સવેલની ફટકાબાજી અને સ્પિનર અગરના તરખાટથી T-20માં કિવિઝ સામે કાંગારુનો વિજય
મેક્સવેલે ફટકારેલા છક્કાથી સ્ટેન્ડમાં ખુરશી તૂટી: અગરની 30 રનમાં 6 વિકેટ
વેલિંગ્ટન, તા.3: ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની 70 રનની આતશી ઇનિંગ અને સ્પિનર એસ્ટોન અગરના 6 વિકેટના તરખાટથી ઓસ્ટ્રેલિયાએ ન્યુઝિલેન્ડ વિરુદ્ધના ત્રીજા ટી-20 મેચમાં  64 રને જીત હાંસલ કરીને રાહતનો શ્વાસ લીધો છે. કાંગારુ ટીમનો પ્રવાસનો આ પહેલો વિજય છે. ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 208 રનના મોટા સ્કોર સામે ન્યુઝિલેન્ડની ટીમ 17.1 ઓવરમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેક્સવેલે 31 દડામાં 8 ચોક્કા અને પ ગગનચુંબી છક્કાની મદદથી 70 રનની ધૂંઆધાર ઇનિંગ રમી હતી.
મેક્સવેલ ઉપરાંત ઓસિ. સુકાની એરોન ફિંચે પણ ફોર્મમાં વાપસી કરીને 44 દડામાં 8 ચોક્કા-બે છક્કાથી 69 રન બનાવ્યા હતા. ખાસ કરીને મેકસવેલે એવી આતશી બેટિંગ કરી હતી કે તેણે કિવિ બોલર જેમ્સ નિશમની ઇનિંગની 17મી ઓવરમાં 28 રન ઝૂડી નાંખ્યા હતા. આ દરમિયાન તેણે પહેલા દડે ચોક્કો, બીજા દડે છક્કા અને પછી સતત ત્રણ દડામાં ચોક્કા લગાવ્યા હતા અને આખરી દડે ફરી સિક્સ ફટકારી હતી. તેના એક શોટથી બોલ સ્ટેન્ડમાં પડયો હતો અને ખુરશી પણ તૂટી ગઈ હતી. મેક્સવેલની 70 રનની ઇનિંગથી ઓસિ.ના 208 રન થયા હતા.
ન્યુઝિલેન્ડ તરફથી ગુપ્ટિલે 43 અને ડેવોન ક્રાઉલીએ 38 રન કર્યા હતા જ્યારે બાકીના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. આથી કિવિ ટીમ 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેન ઓફ ધ મેચ સ્પિનર એસ્ટોન અગરે 30 રનમાં 6 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. પાંચ મેચની શ્રેણીમાં હાલ ન્યુઝિલેન્ડ 2-1થી આગળ ચાલી રહ્યંy છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer