ભારતનું લક્ષ્ય ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવું

ભારતનું લક્ષ્ય ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવું
આજથી અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ચોથો અને આખરી ટેસ્ટ મેચ
ટીમ ઇન્ડિયા ફરી એકવાર સ્પિન વિકેટ પર ઇંગ્લેન્ડને ભીડવવા તૈયાર
મેચ સવારે
9-30થી શરૂ થશે
અમદાવાદ, તા.3: પાછલા બે મેચથી દબદબો બનાવવામાં સફળ રહેનાર ભારતીય ટીમ ગુરૂવારથી અહીં શરૂ થઇ રહેલ ચોથા અને અંતિમ ટેસ્ટમાં ફરી એકવાર સ્પિન અનુકૂળ પિચ પર ઇંગ્લેન્ડ વિરૂધ્ધ શાનદાર જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમ હાલ 2-1થી આગળ ચાલી રહી છે. વિરાટ કોહલીની ટીમ અંતિમ ટેસ્ટ ડ્રો પણ કરી લેશે તો તે જૂનમાં લોર્ડસમાં રમાનાર ફાઇનલમાં જગ્યા બનાવી લેશે. જ્યાં તેની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ ડે-નાઇટ ટેસ્ટ નથી. આથી પરંપરાગત રીતે લાલ દડાથી રમાશે અને ગુરૂવારે સવારે 9-30થી શરૂ થશે.
ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલની બહાર થઇ ચૂકી છે, પણ તે જો અંતિમ મેચમાં જીત હાંસલ કરશે તો ભારતને પણ ફાઇનલની બહાર કરી દેશે. આ સંજોગોમાં ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં રમવાનો મોકો મળી જશે. આથી ટીમ ઇન્ડિયા માટે ડ્રો સુરક્ષિત વિકલ્પ હશે. જો કે આક્રમક કેપ્ટન વિરાટ કોહલી રક્ષાત્મક વલણ અપનાવવા માંગશે નહીં. કારણ કે આવું કરવાથી કયારેક ભારે પડે છે.
મોટેરાની નવે-નવેલી પિચ પર ત્રીજા ટેસ્ટ દરમિયાન ગુલાબી દડા સામે પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ ફકત બે દિવસમાં ઢેર થઇ ગઇ હતી. અક્ષર પટેલની સ્પિડથી આવતી સીધા દડાનો સામનો કરવામાં ઇંગ્લેન્ડના બેટધરોને ઘણી મુશ્કેલી થઇ હતી. ચેન્નાઇમાં આ રણનીતિ ભારત માટે સફળ રહી હતી. ચોથા ટેસ્ટમાં પણ આ જ રણનીતિથી ઇંગ્લેન્ડને ભીડવવાની યોજના હશે. ભારતીય સુકાની રહાણે સ્વીકારી ચૂકયો છેકે ચોથા ટેસ્ટની પિચ બીજા અને ત્રીજા મેચ જેવી જ લાગી રહી છે. જો કે ગુલાબી દડાની તુલનામાં લાલ દડો ટર્નિંગ પિચ પર એટલો સ્પિડમાં આવતો નથી. આથી બન્ને ટીમના બેટસમેનોને મોટી ઇનિંગ રમવાની પણ તક મળશે.
ઇંગ્લેન્ડની ટીમનું લક્ષ્ય આ મેચમાં હાર ટાળીને મેચ ડ્રો કરવાનું રહેશે. તેમને પહેલા મેચ જેવી જીતનો આત્મવિશ્વાસ સતત બે કારમી હારથી હવે રહ્યો નથી. જ્યારે ભારત માટે ફાઇનલમાં પહોંચવાનો દાવ લાગેલો છે. અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ બે સ્પિનર સાથે ઉતરી શકે છે. જેક લિચના સાથમાં ફરી ડોમ બેસ હશે. જ્યારે સુકાની રૂટ તેના સાથમાં હશે. જ્યારે ભારતીય ટીમમાં જસપ્રિત બુમરાહના સ્થાને ઉમેશ યાદવને તકની સંભાવના છે. આ સિવાય બીજા કોઇ ફેરફાર શકય જણાતા નથી. ભારતને ફરી તેના સ્ટાર ઓપનર રોહિત શર્મા પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. જ્યારે સુકાની કોહલીના બેટમાંથી સદીનો ઇંતઝાર ખતમ થશે તેવું ચાહકો ઇચ્છી રહ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer