સૌરાષ્ટ્રને બજેટમાં શું મળ્યું ?રાજકોટને વધુ બસ સ્ટેન્ડ, મોરબીને નવા રસ્તા, ઓર્ગેનિક હાટ અને નવા ઔદ્યોગિક પાર્ક બનશે

સૌરાષ્ટ્રને બજેટમાં શું મળ્યું ?રાજકોટને વધુ બસ સ્ટેન્ડ, મોરબીને નવા રસ્તા, ઓર્ગેનિક હાટ અને નવા ઔદ્યોગિક પાર્ક બનશે
પેટ્રોલ-ડિઝલનો વેટ અને પ્રોફેશનલ ટેક્સ યથાવત : ઉદ્યોગો લેબ ટેસ્ટ માટે મિનિ ક્લસ્ટર બનાવી શકે તેવી જોગવાઇ
રાજકોટ, તા.3 (ફૂલછાબ ન્યૂઝ): ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે જાહેર કરેલા અંદાજપત્રમાં નવા કોઇ વેપાર નાખવામાં આવ્યા નથી પરંતુ જૂના તોતીંગ વેરામાં રાહત ન આપતા કચવાટ હતો. પેટ્રોલિયમનો વેટ ઘટાડો અને પ્રોફેશ્નલ ટેક્સ કાઢી નાખવા જેવી માગણી પ્રમુખ હતી. જે સંતોષાઇ નથી. જોકે ગુજરાતના અંદાજપત્રમાં સૌરાષ્ટ્ર વિસ્તાર માટે અનેક જાહેરાતો થઇ છે. એમાં અમુક જૂની છે અને અમુક નવી છે.
ઓર્ગેનિક તથા પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનો સીધા જ ખેડૂતો દ્વારા બજારમાં વેચાય તે માટે રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ વિકસાવવામાં આવનાર છે. એ માટે અંદાજપત્રમાં 20 કરોડ ફાળવાયા છે. ઓર્ગેનિક ઉત્પાદનો કરનારા ખેડૂતોને બજાર મળવાની ભારે સમસ્યા છે ત્યારે આ યોજના ઉપયોગી નીવડશે.
પાણી માટે રાજકોટની જીવાદોરી સમાન આજી 1 અને આજી-2માં સૌની યોજનાનું પાણી ઠાલવવા તથા ભાવનગરના બોર તળાવને સૌની હેઠળ સમાવવા રૂા. 1071 કરોડની ફાળવણી થઇ છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર તથા દાહોદને સ્માર્ટ સીટી હેઠળ રૂા. 700 કરોડ ફાળવવામાં આવ્યા છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરમાં મેટ્રો લાઇટ અને મેટ્રો નીઓ જેવી નવી ટેકનોલોજીવાળી નવી સેવા માટે રૂા. 50 કરોડ ફાળવાયા છે.
રાજકોટના માધાપર ચોકડી પાસે નવા બસ સ્ટેશન ઉપરાંત અન્ય છ નવા સ્ટેશનનું બાંધકામ તથા હયાત જૂના 9 સ્ટેશનોનું રિનોવેશન થશે. તે માટે બજેટમાં રૂા. 100 કરોડ ફાળવાયા છે.
ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સૂર્યોદય યોજના શરું કરાઇ છે. એનો લાભ જૂનાગઢ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગરને મળશે. રાજકોટમાં મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે પણ જાહેરાત થઇ છે. રાજકોટ જિલ્લામાં નાગલપર, અમરેલીમાં પીપાવાવ, જામનગરમાં શેખપાટ તથા મોરબીમાં જીઆઇડીસી બનાવવાની જાહેરાત થઇ છે.
રાજકોટ પોલીસ કમિશ્નરેટની ટ્રાફિક શાખામાં 184 નવી જગ્યાઓ ભરવામાં આવશે. નાના ઉદ્યોગોને મદદરુપ થવા ક્વોલિટી કંટ્રોલ અને લેબ ટેસ્ટીંગ સગવડ મળે તે માટે મિનિ ક્લસ્ટર યોજના હેઠળ રૂા.14 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  મોરબીમાં સિરામિક ક્લસ્ટર વિશ્વકક્ષાનું બનાવવાની સાથે જેતપર-પીપળી રોડ ઉપરાંત મહેન્દ્રનગરથી હળવદને જોડતો માર્ક ફોર લેન બનાવવાની જાહેરાત થતા મોરબીનો વિકાસ વધશે. મોરબી, જેતપર, અણીયાળી, ઘાટીલા રોડ તથા મોરબી-હળવદ રોડ એમ 70 કિલોમીટરના રોડ માટે રૂા. 309 કરોડ ફાળવાયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer