તાપસી પન્નુ - અનુરાગ કશ્યપના ઘરે ITનો દરોડો

તાપસી પન્નુ - અનુરાગ કશ્યપના ઘરે ITનો દરોડો
રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સહિત 4 કંપની ઉપર પણ કાર્યવાહી
ફેન્ટમ ફિલ્મની કરચોરી સંબંધે તપાસ : કોંગ્રેસ નેતા અશોક ચૌહાણ અને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હી, તા. 3 : મહારાષ્ટ્રમાં  આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફેન્ટમ ફિલ્મ, ક્વાન, એક્સીડ, રિલાયન્સ એન્ટરટેઈમેન્ટ ઉપર તેમજ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ મુંબઈ અને પુણેમાં કુલ 20થી 22 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની લાંબી પૂછપરછ પણ થઈ હતી. આ કાર્યવાહીનો કોંગ્રેસ નેતા અશોક ચૌહાણ અને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વિરોધ કર્યો હતો.
આવકવેરા વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે કર ચોરીના મામલામાં ફેન્ટમ ફિલ્મ સંબંધિત લોકો ઉપર દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ અને અન્ય સામેલ છે. ઘણા અન્ય લોકોને પણ ફેન્ટ ફિલ્મમાં કર ચોરીના મામલામાં શોધવામા આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ મુંબઈ અને પુણેમાં 20 થી 22 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 2011માં અનુરાગ કશ્યપ, મધુ મનટેના, વિક્રમાદિત્ય મોટવાને અને વિકાસ બહલ દ્વારા ફેન્ટમ ફિલ્મની સ્થાપના કરવામાં આવી હતી અને ઓક્ટોબર 2018મા આ કંપની બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કાર્યવાહીને મોદી સરકારની બદલાની ભાવના હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી. આ ઉપરાંત શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer