સરકાર સાથે અસહમતી દેશદ્રોહ નથી: સુપ્રીમ કોર્ટ

સરકાર સાથે અસહમતી દેશદ્રોહ નથી: સુપ્રીમ કોર્ટ
ફારૂક અબ્દુલ્લા વિરૂદ્ધ અરજી નામંજૂર, અરજદારને રૂ.50 હજારનો દંડ
નવી દિલ્હી, તા.3 : ફારૂક અબ્દુલ્લાના કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વના ફેંસલામાં કહ્યુ કે સરકારના વિચારથી અલગ બોલવુ કે અભિવ્યક્તિ કરવી એ દેશદ્રોહ નથી.
જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી-નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાને રાહત આપતા સુપ્રીમ કોર્ટે ફેંસલો આપ્યો કે સરકારના વિચારથી અલગ અને ભિન્ન વિચારોની અભિવ્યક્તિને દેશદ્રોહ કહી ન શકાય. કેન્દ્ર સરકારે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા અંગે ફારૂકે આપેલા નિવેદન બદલ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં માગ કરાઈ હતી કે તેમના નિવેદનને ધ્યાને લઈ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવે સાથે તેમનું સંસદ સભ્ય પદ રદ કરવામાં આવે. કારણ કે તેમને સાંસદ તરીકે યથાવત રાખવાનો અર્થ એવો થશે કે ભારતમાં દેશ વિરોધી ગતિવિધિઓનો સ્વીકાર કરાઈ રહ્યો છે અને તે દેશની એકતાને નુકસાન પહોંચાડશે. અરજદારે આરોપ લગાવ્યો હતો કે ફારૂકે કલમ 370ની બહાલી માટે ચીનની મદદ લેવાની વાત કરી હતી. જેકે નેશનલ કોન્ફરન્સે નિવેદનને ખોટી રીતે પ્રસ્તુત કરાયાનું જણાવી આરોપને રદિયો આપ્યો હતો.
સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે ફારૂક અબ્દુલ્લા પર કેસ ચલાવવાની માગ કરતી અરજી ફગાવી દઈ અરજદાર રજત શર્માને રૂ.પ0 હજારનો દંડ કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer