‘આ બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જશે’

‘આ બજેટ ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જશે’
સર્વાંગી અને સર્વવ્યાપી વિકાસનું આ બજેટ છે: મુખ્યમંત્રી રૂપાણી
અમદાવાદ, તા. 3 (ફૂલછાબ ન્યુઝ): મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાણામંત્રી નીતિનભાઈ પટેલે પ્રસ્તુત કરેલા રૂપિયા ર લાખ 27 હજાર કરોડના વર્ષ 2021-22ના બજેટને સર્વાંગી વિકાસ અને સર્વવ્યાપી વિકાસનું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટમાં ગરીબ, ખેડૂત, યુવાન, મહિલા, આદિવાસી, પીડિત-શોષિત લોકોના ઉત્થાન, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ તેમજ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, ક્લાયમેટ ચેન્જ જેવા તમામ ક્ષેત્રોને આવરી લઈને ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જનારૂં આ બજેટ છે.  મુખ્યપ્રધાન રૂપાણીએ  જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનામાં આવનારા પાંચ વર્ષ માટે 1 લાખ કરોડ વનબંધુ કલ્યાણ યોજના-2માં ફાળવવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામના સમગ્ર જિલ્લા અને તાલુકાના આદિજાતિ પટ્ટાના 90 લાખ વનબાંધવોને આનો લાભ મળવાનો છે.    1600 કિલોમીટર લાંબો દરિયાકિનારા વિસ્તારમાં વસતા સાગર ખેડૂ માટે આ વર્ષે 50 હજાર કરોડની વધુ રકમ સાથે સાગરખેડૂ કલ્યાણ યોજના-2 અમે લાવ્યા છીએ.  આ સરકારે સામાજિક ઉત્થાન માટે એટલે કે દિવ્યાંગથી લઇને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન-જાતિ, ઓ.બી.સી આ તમામ વર્ગોના યુવાનોથી લઇને વૃદ્ધ પેશન સુધી તેમજ વિધવા પેન્શનથી માંડીને કુંવરબાઇનું મામેરું જેવી અનેક યોજના દ્વારા સામાજિક કલ્યાણ માટે આ બજેટમાં રૂપિયા ફાળવ્યા છે. 
 શિક્ષણ વિકાસનો પાયો છે ત્યારે આ સરકારે રાજ્યના બાળકો, યુવા વિદ્યાર્થીઓને સમયની માગ અનુરૂપ અદ્યત્તન શિક્ષણ આપવા સૌથી વધુ એટલે કે 32 હજાર કરોડ રૂપિયાની શિક્ષણ વિભાગ માટે ફાળવી છે. આંગણવાડીથી લઇને પીએચ.ડી કરનારા યુવાન સુધીના શિક્ષણ માટે ગુજરાત એક એજ્યુકેશનલ હબ બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે,  આવનારા પાંચ વર્ષમાં સરકારી તેમજ અર્ધ સરકારી નોકરીઓમાં બે લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. એટલું જ નહીં, પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને પ્રાઇવેટ સેક્ટર, સર્વિંસ સેક્ટર, એગ્રિકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચારિંગ સેક્ટરમાં પણ રોજગારી આપવામાં આવશે.
મુખ્યપ્રધાન રૂપાણીએઁ ગુજરાતની નવી ઔદ્યોગિક પોલિસી, સોલાર પોલિસી અને ટુરિઝમ પોલિસી આવનારા દિવસોમાં વિદેશી રોકાણકારો માટે ખૂબ અગત્યની સાબિત થવાની છે તેમ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer