કર-બોજ વિનાનું વિરાટ બજેટ

કર-બોજ વિનાનું વિરાટ બજેટ
નવમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરતા નાણાપ્રધાન નીતિન પટેલ
અંદાજપત્રમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, નવી ઔદ્યોગિક, પ્રવાસન નીતિ તેમજ સોલાર નીતિ
દ્વારા રોજગાર સર્જન ઉપર ભાર
પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનની ભરતી થશે
ભરૂચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને
રાજકોટમાં મેડિકલ ડીવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે
વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રોલાઇટ - મેટ્રોનીઓ જેવી મેટ્રો સેવા માટે રૂા.50 કરોડની જોગવાઈ
કોઈ નવો કરબોજ કે રાહત નહીં, યોજનાઓ માટે તગડી ફાળવણી
પેટ્રોલ-ડીઝલમાં રાહતની આશા ઠગારી, વ્યવસાય વેરો પણ યથાવત્
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.3 : કોરોનાકાળમાં વર્ષ 2021-22 માટે ગુજરાતનું બજેટ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી અને નાણાપ્રધાન નીતિન પટેલે કોઈ નવો કરબોજ નાખવાનું કે રાહત આપવાનું ટાળ્યું છે. જો કે સતત નવમી વખત અંદાજપત્ર રજૂ કરતાં નાણમંત્રીએ અત્યાર સુધીનું સૌથી વિરાટ 2,27,029 કરોડ રૂપિયાના કદનું બજેટ આપ્યું છે. જે ગત વર્ષ 2020-21ના અંદાજપત્ર કરતા રૂા.9,742 કરોડનો વધારો દર્શાવે છે. વર્તમાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળી રહ્યા છે ત્યારે તેના વેરામાં ઘટાડો કરીને રાજ્ય સરકાર આમજનતાને થોડી રાહત આપશે તેવી આશા ઠગારી નીવડી છે અને એવી જ રીતે વ્યવસાય વેરા નાબૂદીની લાંબા વખતની માગણી પણ સંતોષાઈ નથી.
રાજ્ય સરકારે અંદાજપત્રમાં વેરાના દરોમાં કોઈપણ જાતનો વધારો નથી કર્યો અને કોઇપણ જાતના નવા વેરા નાખ્યા નથી. તેમ છતાં પણ રાજ્યસરકાર એવું અનુમાન લગાવી રહી છે કે, 2021-22ના વર્ષના અંતે રૂા. 587.88 કરોડની પુરાંત રહેશે.
આ વખતના અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ, શૈક્ષણિક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, પીવાનાં પાણી જેવી પાયાની જરૂરિયાતો, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નવી ઔદ્યોગિક નીતિ, નવી પ્રવાસન નીતિ તેમજ નવી સોલાર નીતિ દ્વારા રોજગાર સર્જન થાય તેવા અગત્યનાં ક્ષેત્રો પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અંદાજપત્રમાં જાહેર કરવામાં આવેલી નવી યોજનાઓ વિશે નાણાંપ્રધાને ગૃહમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશનો, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે 2 લાખ યુવાનની નવી ભરતી કરાશે. જ્યારે આગામી પાંચ વર્ષ દરમિયાન મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરિંગ સહિત અન્ય સર્વિસ સેક્ટર જેવી વિવિધ ક્ષેત્રોમાં 20 લાખ યુવાન માટે રોજગારીની તકો ઉભી કરાશે. આગામી પાંચ વર્ષ માટે 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2નો અમલ કરવામાં આવશે. રાજ્યના દરિયાકિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારના વિકાસ માટે રૂા.50 હજાર કરોડની સાગરખેડુ સર્વાંગ કલ્યાણ યોજના-2 અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં 2 મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થપાશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડિકલ ડીવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપાશે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરોમાં મેટ્રોલાઇટ-મેટ્રોનીઓ જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પૂરી પાડવા માટે રૂા.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિનામૂલ્યે આપવામાં આવશે. જેના માટે રૂા.87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વર્ષે રૂા.10 હજાર તથા બીજા વર્ષે રૂા. 6 હજારની સહાય કરવામાં આવશે. જેના માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા.32 કરડો ફાળવવામાં આવ્યા છે.
ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધિરીત ફળો અને શાકભાજીનાં ઉત્પાદનોનું સીધું વેચાણ ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની રૂા.20 કરોડના ખર્ચે ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ યોજના અમલમાં મુકાશે.
દરિયાઈ વિસ્તારના 10 હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટમાફી યોજનાનો લાભ આપવા રૂા.150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રૂા.5 કરોડના ખર્ચે ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં મત્સ્યઉતરણ માટે ફ્લોટિંગ જેટી બનાવવામાં આવશે. ખેડૂતોને ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂા.78 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સૌથી મહત્ત્વની એવી સૌની યોજનાના ત્રીજા તબક્કા માટે રૂા.1,071 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવતા નાણાંપ્રધાને ઉમેર્યું હતું કે,  સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ અગાઉ હયાત પાઇપલાઇનથી બે કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવમાં પાણી ભરી આપવામાં આવતું હતું તેની જગ્યાએ હવે 3 કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા 295 તળાવમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. રૂા.962 કરોડના ખર્ચે ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર, ઉદવહન પાઇપલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા નદી ઉપર રૂા.5322 કરોડની અંદાજિત ખર્ચની ભાડભૂત યોજનાને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. ભાડભૂત બેરેજ ઉપર 6 માર્ગીય બ્રીજ બનાવવાનું આયોજન હોવાને લઇને દહેજથી હજીરા-સુરત વચ્ચેના અંતરમાં 37 કિલોમીટરનો ઘટાડો થશે. સરદાર સરોવર યોજનાના જરૂરી કામોને પૂર્ણ કરવા માટે રૂા.7370 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગામી વર્ષે વધુ 1 લાખ 27 હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે રૂા.679 કરોડની જાગવાઈ કરવામાં આવી છે. 
નીતિનભાઈએ કહ્યું કે, અભ્યાસ કરતા જે બાળકોનાં ઘરનું અંતર તેમની શાળાઓથી 1 કિલોમીટર કરતા વધુ છે તેવાં 1.50 લાખ બાળકોને રૂા.60 કરોડના ખર્ચે વાહનવ્યવહારની સુવિધા આપવામાં આવશે. ઔતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી શાળાઓને રૂા.25 કરોડના ખર્ચે હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદની નવી સિવિલને રૂા.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે નવી 150 એમ્બ્યુલન્સ વાન લેવામાં આવશે. રસીકરણની કામગીરી સુચારુરૂપે કરવા માટે રાજ્યસરકાર દ્વારા ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે જ્યારે 9 જિલ્લામાં નવા રૂા.3 કરોડના ખર્ચે નવા મેડિકલ વેક્સિન સ્ટોર બનાવવામાં આવશે. 20 સિવિલ હોસ્પિટલો ખાતે આયુર્વેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે. નવી શિક્ષણનીતિ 2020 અનુસાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદૃઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોનો ગુણવત્તાપૂર્ણ સર્વાંગી વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરાયું છે. પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂા.50 હજારની સહાય કરવામાં આવશે. નલ સે જલ યોજના અંતર્ગત રાજ્યના બાકી રહેલા 17 લાખ 78 હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા રૂા. 300 કરોડ ખર્ચાશે. ડોર ટુ ડોર કલેક્શન દ્વારા ઘનકચરો એકત્ર કરવા માટે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને વ્યક્તિ દીઠ ગ્રાન્ટ રૂા.2 અપાતી હતી તે હવે રૂા. 4 કરવામાં આવી છે. રૂા.34 કરોડની ખર્ચે ગામમાં પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નખાશે.
તેમણે કહ્યું કે, ફાયરસેફ્ટી કોપ પોર્ટલ ઉભું કરી ફાયર સેફ્ટી ઓફિસરોને તાલીમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે સર્વિસ સેક્ટર માટે રૂા.1 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્સલન્સ સેન્ટર શરૂ કરાશે. ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવામાં આવશે. ગાંધીનગર - કોબા - હાંસોલ રોડ પર રાજસ્થાન સક્રલ પર રૂા.136 કરોડના ખર્ચે એક્સટ્રા ડોઝ કેબલ સ્ટેડ બ્રીજ તેમજ રક્ષાશક્તિ સર્કલ પર રૂા.50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રીજ બનાવાશે. આ ઉપરાંત રાજ્યસ્તરનાં એરપોર્ટ, એરોડ્રામ, વોટરડ્રોમ અને હેલીપેડને સુરક્ષા પૂરી પાડવા રાજ્ય અનામત પોલીદ દળ હેઠળ નવી વિશેષ બટાલિયનની રચના કરવામાં આવશે. કેવડિયાની આજુબાજુ 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમના 2 લાખ રોપા નર્સરીમાં ઉછેર કરવા માટે રૂા.15 કરોડ ખર્ચવામાં આવશે. અમદાવાદ, સોમનાથ, અંબાજી, દ્વારકા અને ગીર ખાતે રૂા.3 કરોડના ખર્ચે હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામમાંથી પસાર થતા કર્કવૃતના ભૌગોલિક મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી સાયન્સ પાર્ક સ્થાપવામાં આવશે. 
નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, એશિયાઈ સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્રના લાયન પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે રૂ 11 કરોડની જોગાવાઈ. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસૂલી, વીડી વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ કરાશે. સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રાડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે. દીપડા માટે મેગા રેસ્ક્યુ સેન્ટર 7 કરોડના ખર્ચે બનાવાશે. પાવાગઢમાં માંચીના વિકાસ માટે રૂ 31 કરોડનો પ્રોજેક્ટ મુકાયો. નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે રૂ 30 કરોડનો પ્રોજેક્ટ કરાશે. માતાના મઢ-કચ્છના વિકાસ માટે રૂ 25 કરોડનો પ્રોજેક્ટની જાહેરાત. તો બહુચરાજીના વિકાસ માટે રૂ 10 કરોડની જોગવાઈ કરાઈ. કંથારપુર વડ, ગાંધીનગરના વિકાસ માટે 10 કરોડ જોગવાઈ. પીએમ મોદીના વતન વડનગર ખાતે એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટસ હોસ્ટેલ બનાવાશે, જેના માટે 13 કરોડની જોગવાઈ. વડનગરના હેરિટેજ સ્ટ્રક્ટર, પુરાતત્ત્વ વિભાગનાં સ્થળો, તળાવો, વિવિધ મંદિરો, તેમજ અન્ય પ્રવાસી સુવિધાઓ માટે માસ્ટર પ્લાન બનાવીને કામગીરી કરવામાં આવશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનસાથે સંકળાયેલાં સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer