કર્ણાટકમાં સીડીકાંડ : મંત્રીનું રાજીનામું

કર્ણાટકમાં સીડીકાંડ : મંત્રીનું રાજીનામું
મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને ભાજપ સરકાર માટે ક્ષોભજનક સ્થિતિ
બેંગ્લુરૂ, તા.3 : એક સેકસટેપકાંડ સામે આવતાં કર્ણાટકના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. ભાજપ સરકાર અને મુખ્યમંત્રી યેદિયુરપ્પા સામે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે. કથિત રૂપે રાજયના જળ સંશાધન મંત્રી રમેશ જારકીહોલી પર મહિલાના શારીરિક શોષણનો આરોપ લાગ્યા બાદ વિવાદ વકરતાં તેમણે રાજીનામુ આપવુ પડયુ છે.
કથિત સીડીમાં મંત્રી મહિલાને એવુ કહેતા સાંભળતા મળે છે કે યેદિયુરપ્પાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓ કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના વખાણ કરે છે. સામાજિક કાર્યકર દિનેશ કલ્લાહલીએ સમાચાર ચેનલોને એક સીડી જારી કરતા આરોપ લગાવ્યો કે મંત્રીએ નોકરી અપાવવાના બહાને મહિલાનું યૌન શોષણ કર્યુ છે. તેમણે બેંગ્લુરૂ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવતા પીડિતા માટે સુરક્ષા માગી હતી. ફરિયાદમાં તેમણે આરોપી તરીકે કર્ણાટક સરકારમાં મંત્રી રમેશ જારકીહોલીનું નામ આપ્યુ છે. રાજયના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈએ કહયુ કે તપાસ ચાલી રહી છે. સત્ય સામે આવ્યા બાદ પાર્ટી તેમના વિરૂદ્ધ પગલાનો નિર્ણય લેશે. આરોપી મંત્રીએ પોતાની સામે લગાવેલા આરોપ ફગાવી, પોતાના વિરૂદ્ધ કાવતરૂ ગણાવી નૈતિકતાને આધારે રાજીનામુ આપ્યાનો બચાવ કર્યો છે. સીડીકાંડમાં મંત્રીનું નામ સામે આવ્યા બાદ કોંગ્રેસે બેંગ્લુરૂમાં ધરણા પ્રદર્શન યોજયા હતા.
કથિત સેક્સ સિડી દિલ્હીના કર્ણાટક ભવનમાં બન્યાનું સામે આવ્યુ છે. કલ્લાહલીએ દાવો કર્યો કે સીડીમાં મંત્રી મહિલા સાથે વાંધાજનક હાલતમાં છે. બંન્ને વચ્ચે વાતચીત થઈ રહી છે જેમાં મંત્રી મહિલાને નોકરી અપાવવાની લાલચ આપતાં અને મહિલાને ધીમે બોલવાનું કહેતા સાંભળવા મળે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer