કોંગ્રેસ મુક્ત સુરત, ભાજપ અડીખમ: ‘આપે’ સર્જ્યું આશ્ચર્ય

કોંગ્રેસ મુક્ત સુરત, ભાજપ અડીખમ: ‘આપે’ સર્જ્યું આશ્ચર્ય
(ફૂલછાબ ન્યુઝ)
સુરત, તા. 23: 26 વર્ષે બાદ સુરતમાં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નથી. કોંગ્રેસ રકાસ જોતા આગામી સમય કોંગ્રેસ માટે વધુ કપરો સાબિત થવાનો છે. વર્ષ 1995માં ભાજપને 98 બેઠક મળી હતી અને કોંગ્રેસને એકપણ બેઠક મળી ન હતી. આજે ભાજપને 93 અને નવી ઉદય થયેલી આમ આદમી પાર્ટીને ફાળે 27 બેઠક આવી છે. ભાજપને મળેલી ભવ્ય જીત ચોક્કસ છે પણ આપને મળેલી જીત પણ ચોંકાવનારી છે.
વોર્ડ વાઇઝ પરિણામ જોઇએ તો વોર્ડ નંબર 1, 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30ની પૂરી પેનલ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં ભાજપનાં બે ઉમેદવાર અને 8માં ભાજપના ત્રણ ઉમેદવાર જીત્યા છે. આમ આદમી પાર્ટીનું બુલડોઝર વોર્ડ નંબર 2, 3, 4, 5 અને 17માં ફરી વળ્યું હતું તેમજ વોર્ડ 7માં બે ઉમેદવાર અને આઠમાં એક ઉમેદવારે બાજી મારી હતી.
ભાજપની આજની ભવ્ય જીતમાં મતદારોએ ભાજપમાં હજુ પણ મોટો વિશ્વાસ છે તેને નકારી શકાય તેમ નથી. પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા અને મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે લોકો આ વખતે ભાજપમાં ઓછો વિશ્વાસ રાખે તેવું વાતાવરણ હતું. આમ છતાં લોકોએ ભાજપના અગાઉના વિકાસનાં કામોને ધ્યાને રાખીને મત આપ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.  પાસના ખંભે સવાર થઈને મતદારો પાસે મત માગવા ગયેલી  કોંગ્રેસની હાલત ખરાબ થઈ છે. પાટીદાર અનામત આંદોલને કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ લોકોની મૂંઝવણ જાણે દૂર થઈ હોય તેમ ભાજપ અને આપ વચ્ચેથી કોઈ એક ઉમેદવારની પસંદગી કરી હતી.
ટિકિટ ફાળવવામાં કોંગ્રેસે ધ્યાન ન આપતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત આટલી ખરાબ થઈ હોવાનું કાર્યકરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કારમા પરાજય બાદ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કદીર પીરજાદા, તુષાર ચૌધરી અને બાબુ રાયકાની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસની હાર માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોને તેના નેતાઓના પૂતળા સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer