(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.23 : રાજ્યની છ મહાપાલિકાઓની આજે યોજાયેલી ચૂંટણીમાં રાજકોટ મનપામાં ભગવો લહેરાયો હતો. શહેરના મતદાતાઓએ ‘પરિવર્તન’ને બદલે ‘પુનરાવર્તન’ને પ્રાધાન્ય આપ્યું હતું. શહેરના 18 વોર્ડની 72 પૈકી 68 બેઠકો પર કમળ ખિલ્યું હતું, ભાજપના દ્વારા ફટકડા ફોડી, એકબીજાના મોઢા મીઠા કરી તેમજ વિજય સરઘસ કાઢીને જીતના વધામણા કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં માતમ છવાયો હતો. એક માત્ર વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ જીતતા 4 બેઠક મળી હતી. ચૂંટણીમાં આમ આદમીની પાર્ટી ‘આપ’ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. આજના પરિણામોએ એ સાબીત કરી દેખાડયું હતું કે, મતદારોનું માનસ ભાજપ તરફી જ હતું.
શહેરમાં 6 સ્થળોએ મતગણતરી રાખવામાં આવી હતી જેમાં વિરબાઈમાં મહિલા
કોલેજમાં વોર્ડ નં.1થી 3, ચોધરી હાઈસ્કૂલમાં વોર્ડ નં.4થી 6, વિરાણી હાઈસ્કૂલમાં વોર્ડ નં.7થી 9, એ.વી.પી.ટી.આઈ કોલેજમાં વોર્ડ નં.10થી 12, પી.ડી.માલવિયા કોલેજમાં વોર્ડ નં.13થી 15, તથા રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં વોર્ડ નં.16થી 18ની મતગણતરી યોજાઈ હતી. સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઈ હતી, બાદમાં ઈવીએમ ખોલવામાં આવ્યાં હતાં. સૌપ્રથમ પરિણામ વોર્ડ નં.7નું જાહેર કરાયું હતું જેમાં ભાજપના નેહલ શુક્લ, દેવાંગ માંકડ, વર્ષાબેન પાંધી તથા જયશ્રીબેન ચાવડાની પેનલ બેવડી લીડથી વિજેતા જાહેર થયાં હતાં.
બાદમાં વોર્ડ નં.1નું પરિણામ જાહેર થયું હતું જેમાં ભાજપની પેનલ જ વિજેતા થઈ હતી. અનુસુચિત જાતિ ત્રી અનામત બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ આ વોર્ડમાં ઉતારવાનો દાવ સફળ થયો હતો. ભાનુબેનને 15,939 મત મળ્યાં હતાં જ્યારે સામે કોંગ્રેસના રેખાબેન ગેડિયા માત્ર 4087 મત મેળવી શક્યાં હતાં. ભાજપના ડો.અલ્પેશ મોરજરિયા, દુર્ગાબા જાડેજા તથા હિરેનભાઈ ખીમાણીયાને અનુક્રમે 18029, 16051 થતા 16306 મત મળ્યાં છે.
વોર્ડ નં.2માં ભાજપના રિપીટ ચહેરા ડો.દક્ષિતાબેન શાહ, જયમીન ઠાકર તથા મનીષ રાડિયાની સાથે મીનાબા જાડેજા પણ વિજયી થયાં હતાં. 108ના નામથી પ્રસિદ્ધ કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી, દિવ્યાબા જાડેજા, યુનુસ જુણેજા, નિમિષાબેન રાવલ હાર્યા હતાં. મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ‘આપ’ના શહેર પ્રમુખ રાજભા ઝાલાને પણ પરાજયનો સામનો કરવો પડયો હતો. રાજભાને 4573 મત મળ્યાં હતાં.
વોર્ડ નં.3માં પણ કોંગ્રેસમાં અપસેટ સર્જાયો હતો. પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાને પરાજયનો સામનો કરવો પડયો હતો. આ વોર્ડમાં પણ ભાજપની પેનલ જીતી હતી. વોર્ડ નં.4, વોર્ડ નં.5, વોર્ડ નં.6, વોર્ડ નં.7, વોર્ડ નં.8, વોર્ડ નં.9, વોર્ડ નં.10, વોર્ડ નં.11, વોર્ડ નં.12, વોર્ડ નં.13, વોર્ડ નં.14, વોર્ડ નં.16, વોર્ડ નં.17 અને વોર્ડ નં.18માં પણ ભાજપના વિજય વાવટો ફરક્યો હતો.
ગત ટર્મમાં જનરલ બોર્ડમાં વધુ વખત ગેરહાજર રહેતા જેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયાં હતાં તેવા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને પણ આ વખતે વોર્ડ નં.18માંથી પરાજયનો સામનો કરવો પડયો હતો. સતત પાંચ વર્ષ સુધી શાસકોને દોડવાનારા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પણ વોર્ડ નં.13માંથી હાર્યા હતાં. ગત ચૂંટણીમાં વોર્ડ નં.10ની પેનલમાં ચૂંટાયેલા આવેલા એક માત્ર કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા મનસુખ કાલરિયા ઉપરાંત વોર્ડ નં.11ના રિપીટ ઉમેદવાર પારૂલબેન ડેર, પરેશ હરસોડા, વસંતબેન માલવી, વોર્ડ નં.12માં કોંગ્રેસના ત્રણેય રિપીટ ઉમેદવાર ઉવર્શીબા જાડેજા, વિજય વાંક અને સંજય અજુડિયાને પણ ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. વોર્ડ નં.17માં જ કોંગ્રેસના રિપીટ ચહેરા ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક પણ હાર્યા હતાં જ્યારે ભાજપના રિપીટ ઉમેદવાર અનિતાબેન ગોસ્વામી 15,298 મતોથી જીત્યાં હતાં.
શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
વોર્ડ નં.17માંથી ચૂંટણી લડનારા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરને પરાજય વેઠવો પડયો હતો. શહેરમાં કોંગ્રેસને મળેલા કારમા પરાજયની જવાબદારી સ્વીકારીને તેઓ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધુ હતું. પત્રકારો સાથેની વાતચીતમાં ડાંગરે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારુ છું મેં પ્રદેશ કોંગ્રેસને મારુ રાજીનામું આપી દીધુ છે.
વોર્ડ નં.15માં કોંગ્રેસે લાજ રાખી !
શહેરના 18 વોર્ડમાંથી એક માત્ર વોર્ડ નં.15માં કોંગ્રેસ પોતાની શાખને જાળવી શકી હતી. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આખી પેનલ 2600 મતોની લીડથી જીતી ગઈ હતી. વશરામભાઈને 11511, ભાનુબેન સોરાણીને 11325, કોમલબેન ભારાઈને 11307 તથા મકબુલ દાઉદાણીને 10892 મત મળ્યાં હતાં જેની સામે ભાજપના ગીતાબેન પારઘીને 9343, મેંઘાવી સિંધવને 8658, વરજાંગભાઈ હુંબલને 9302, વિનુભાઈ કુમરખાનિયાને 8843 મત મળ્યાં હતાં.
--------------
25 વર્ષ બાદ કોંગ્રેસનો મોટો પરાજય
શહેરના 18 વોર્ડની 72માંથી માત્ર 4 બેઠકો જ કોંગ્રેસને ફાળે આવી છે. 25 વર્ષ બાદ ફરી એક વખત કોંગ્રેસને સૌથી મોટા પરાજયનો સામનો કરવો પડયો છે. મનપાના ઈતિહાસ તરફ દ્રષ્ટિપાત કરીએ તો વર્ષ 1995માં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી જેમાં લાધાભાઈ પટેલ વિજયી જાહેર થયાં હતાં અને તેઓએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. લાધાભાઈને એકે હજારાનું બિરુદ મળ્યું હતું.
રાજકોટમાં ભાજપ ટોચે, કોંગ્રેસ તળિયે
