સુરતમાં કોંગ્રેસનો સફાયો કરીને રાજ્યમાં આપનો ઉદય

સુરતમાં કોંગ્રેસનો સફાયો કરીને રાજ્યમાં આપનો ઉદય
- હિરાનગરીમાં આપ મુખ્ય વિપક્ષ બન્યો  જામનગરમાં બસપા ત્રણ તો અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીને 7 બેઠક
સુરત, તા. 23 : ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં બધે ભાજપનો ભગવો લહેરાયો છે. જો કે, અત્યારસુધીના ઈતિહાસમાં ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ સફળ થયો નથી. પરંતુ આ વખતે સુરત, અમદાવાદ અને જામનગરમાં બન્ને મુખ્ય પક્ષ સિવાય ત્રીજો વિકલ્પ ઉભો થયો છે. તેમાંય સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકમાંથી ભાજપ 93 બેઠક પર વિજય મેળવીને સત્તાનું સુકાન સંભાળનાર છે. પરંતુ રાજ્યમાં પહેલી વખત કોઈ
મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે નવો પક્ષ બેસવાનો છે. જેમાં સુરતમાં કોંગ્રેસનો સફાયો કરીને ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. બીજી તરફ અમદાવાદમાં કોંગ્રેસ મત વિસ્તારમાં ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટીએ ગાબડા પાડયા છે અને 7 બેઠક કબજે કરી છે. તેવીજ રીતે જામનગરમાં વોર્ડ નં.6માં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીના 3 ઉમેદવારો જીત્યા હતા.
હીરાનગરી સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે જાહેર થયેલું પરિણામ ઐતિહાસિક રહ્યું છે. વર્ષ 1995 બાદ પ્રથમ વખત રાજકીય પક્ષ કોંગ્રેસ સુરત મહાનગરપાલિકામાં ખાતુ સુધ્ધા ખોલાવી શક્યો નથી. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરી 27 બેઠકો કબ્જે કરવામાં સફળતા મેળવી છે. આપની સફળતા પાછળ એકથી વધુ કારણો છે.
આપે ઉમેદવારોને જાહેર કરવામાં ચોક્કસ રણનીતિ લાગુ કરી હતી. આમ આદમી પાર્ટીએ પ્લાનિંગ સાથે ઉમેદવારોને પોતાના વિસ્તારોમાં ઉતારવા માટે અઢી માસ અગાઉ નામની યાદી જાહેર કરી હતી. આપના ઉમેદવારોએ આ સમયગાળા દરમિયાન તેમના વિસ્તારના લગભગ તમામ મતદારોને બે વખત મળ્યા હોવાનું જાણકારો કહે છે. જેથી લોકો પોતાના પ્રશ્નોને વિગતે રજૂ કરી શક્યા છે. આપની સફળતામાં આ મુદો મહત્વનો છે.
ઉમેદવારી પત્ર ભરતી વખતે અંત ઘડીએ રાજકીય પક્ષ કોંગ્રેસને ટેકો આપનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) વચ્ચે ટીકીટ મામલે તૂતૂમેમે સર્જાતા કોંગ્રેસના ઉમેદવારોને મળેલા ઝટકાનો લાભ આપને થયો છે. આપની સફળતામાં કોંગ્રેસની ઝોળીમાં ન આવેલા વોટ આપને મળ્યા છે. આપે જે વોર્ડની બેઠકો જીતી છે તેમાં પાટીદાર વોટ બેન્ક પાયામાં છે. ચ્ટૂંણીમાં જે પ્રકારે આપ દ્વારા પ્રચાર-પ્રસાર કરાયો હતો અને જે પ્રકારે મતદારોમાં વાતાવરણ બન્યું હતું ત્યારથી આપે સુરતમાં 30 બેઠક જીતવાનો દાવો કર્યો હતો. જો કે આપના દાવાને એક સમયે મોટી-મોટી પાર્ટીઓના નેતાઓએ હસવામાં કાઢ્યું હતું. આજે સુરતમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચ્ટૂંણીમાં ઐતિહાસિક 27 સીટો જીતી છે. મનપામાં વિરોધ પક્ષના નેતાનું સ્થાન આમ આદમી પાર્ટીને મળશે. રાજ્યમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત ચોકકસ છે પણ આપના ઉદયની નોંધ લેવી પડે તેમ છે.
ભાજપની મુખ્ય વોટ બેન્ક પાટીદાર છે. પાટીદાર વોટ બેન્કમાં આપે સુરતમાં ગાબડું પાડવાની શરૂઆત કરી છે. ભાજપે એ યાદ રાખવું કે હીરાનગરી સુરતને સૌરાષ્ટ્ર સાથે સીધો સંબંધ છે. સુરતમાં એક વખત ગાબડુ પડવાની શરૂઆત થઇ છે તો ભવિષ્યની હવાનો રૂખ સૌરાષ્ટ્ર તરફ વળે તો નવાઇ નથી. આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનો ઐતિહાસિક કારમો પરાજય, ભાજપને મળેલી લપડાક આપ તરફ લોકોનો ઢળાવ આગામી દિવસોમાં અનેક નવા સમીકરણો અને ધરીઓ રચે તેવી સંભાવના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer