ભાજપનો જાદુ: કોંગ્રેસ પર ફર્યુ ‘ઝાડુ’

ભાજપનો જાદુ: કોંગ્રેસ પર ફર્યુ ‘ઝાડુ’
-છ મહાપાલિકામાં ભાજપની ક્લિનસ્વીપ : આપ, AIMIMની ગુજરાતમાં એન્ટ્રી, બસપાએ પણ ખાતું ખોલાવ્યું
- 6 મનપામાં ભાજપને 85% કરતા વધુ બેઠકો
-576માંથી 483 બેઠકો કબ્જે કરી ભાજપનું વિરાટ દર્શન
-કોંગ્રેસ 55 બેઠકોમાં સમેટાઈ ગયો
-27 બેઠકો સાથે સુરતમાં મુખ્ય વિપક્ષ પુરવાર થઈ આપનો ગુજરાતમાં સન્માનજનક પ્રવેશ
- અમદાવાદમાં AIMIM તો જામનગરમાં બસપાએ પણ હાજરી પુરાવી
-રાજકોટમાં તો કોંગ્રેસનું ખાતું પણ માંડ ખુલ્યું, સુરતમાં કોંગ્રેસ શૂન્ય
 
 
અમદાવાદ, તા.23 : અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, ગુજરાતમાં ભાજપનો કોઈ વિકલ્પ નથી. તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે અને કોંગ્રેસનો સંપૂર્ણ રકાશ થયો છે. જોકે, આ રાજકીય ઘમાસાણમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ અને અમદાવાદમાં ઔવેસીની એઆઈએમઆઈએમ પાર્ટીએ વટભેર પ્રવેશ કર્યો છે. તે કોઈ નાનીસૂની ઘટના નથી પણ ભાજપ અને કોંગ્રેસ માટે લાલબત્તી સમાન છે. રાજ્યની 6 મહાનગરપાલિકાની  બેઠકોની યોજાયેલી ચૂંટણીના આજે જાહેર થયેલા 6 મનપાના 576 બેઠકોના પરિણામોમાં ભાજપને સૌથી વધુ 483 બેઠકો, કોંગ્રેસને 55 બેઠકો આપને 27 બેઠકો, બસપાને 3 બેઠકો, ઓવૈસીની એઆઇએમઆઇએમ પાર્ટીને 7 બેઠકો અને અપક્ષને 1 બેઠક પ્રાપ્ત થઇ છે.
જ્યારે  6 મહાનગરપાલિકામાં ભાજપે સંપૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરી છે. 2015 કરતા ભાજપે આ વખતની ચૂંટણીમાં 98 વધારે બેઠકો પ્રાપ્ત કરી છે ત્યારે કોંગ્રેસે 2015ની ચૂંટણી કરતા 120 બેઠકો ગુમાવી છે. 6 મહાનગરપાલિકામાં ભાજપે 85 ટકા બેઠકો મેળવીને અત્યાર સુધીના તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, સુરતમાં કોંગ્રેસને એકપણ બેઠક પ્રાપ્ત નહીં થતાં કોંગ્રેસના સુપડા સાફ થઇ જવા પામ્યા છે. ફરી એકવાર લોકોએ વિકાસના મુદ્દાને ધ્યાને લઇને તમામ 6 મનપામાં ભાજપને ભવ્ય જીત અપાવી છે
આ પરિણામનો મતલબ એ હરગીઝ ના હોઈ શકે કે, આ મહાનગરોમાં પ્રજાને નડતી કોઈ સમસ્યા જ નથી પણ, એ અર્થ જરુર નીકળી શકે કે, નારાજગી વચ્ચે પણ લોકોએ કમળ ઉપર કળશ ઢોળવાનું વધુ પસંદ કર્યું છે. જેનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ ઉપરનો વિશ્વાસ હોઈ શકે છે. આ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપમાં સ્વાભાવિક રીતે જ જશ્નનો માહોલ છે અને કોંગ્રેસને તો, જાણે પરાજ્ય કોઠે પડી ગયો હોય તેમ બધા ઘરભેગાં થઈ ગયા છે અને તેના નેતાઓ પરિણામની સમીક્ષા કે મંથન કરશે એવી જ ઘસાયેલી કેસેટ વગાડતા માલુમ પડી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય તો, એ છે કે, ઔવેસીની પાર્ટીને ચૂંટણી અગાઉ જેમ ભાજપની બી ટીમ તરીકે સંબોધાતી હતી. તે ક્યાંક ને ક્યાંક પણ સાબિત થયું છે. અમદાવાદમાં ખાડિયા ભાજપનો ગઢ ગણાય, જ્યાં એક તબક્કે કોંગ્રેસની જીત લગભગ પાકી મનાતી હતી અને ત્યાં ભાજપના પરાજ્યની સાથે નવો ઈતિહાસ રચાશે એમ મનાતું હતું ત્યાં ઔવેસીની પાર્ટીના ઉમેદવારોએ કોંગ્રેસના સંભવિત વોટ મેળવીને કોંગ્રેસની જીતને પરાજ્યમાં ફેરવી દીધી છે. એ જ રીતે અમદાવાદમાં કોંગ્રેસના ગઢ ગણાતા જમાલપુર અને મક્તમપુરામાં પણ કોંગ્રેસની જીતને પરાજયમાં પરિવર્તિત કરીને આ બેઠકો ઓવૈસીના ઉમેદાવારોએ મેળવી હતી.
આજે જાહેર થયેલી 6 મહાનગરપાલિકાના 575 બેઠકના પરિણામમાં ભાજપની અમદાવાદ, વડોદરા, જામનગર, સુરત અને ભાવનગરમાં પેનલો તૂટતા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકો માંથી ભાજપે 159, કોંગ્રેસે 25 જ્યારે એઆઇએમઆઇએમ 7 બેઠકો મેળવી છે. આ ઉપરાંત 1 અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. 2010 કરતા ભાજપે 2021માં 8 બેઠકો જ્યારે 2015 કરતા 17 બેઠકો વધુ મેળવી છે. જ્યારે કોંગ્રેસે 2010 કરતા 13 બેઠકો  અને 2015 કરતા 24 બેઠકો ગુમાવી છે. બીજી બાજુ પ્રથમ વખત ચૂંટણી લડતી ઓવેસીની એઆઇએમઆઇએમ એ 7 બેઠક પરથી વિજય હાસલ કર્યો છે.  ઓવૈસીની પાર્ટીના 7 બેઠકો પર થયેલા વિજયથી કોંગ્રેસને 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત મોટો ફટકો પડે તેવી સંભાવના વર્તાઇ રહી છે. જેના કારણમાં અમદાવાદની જમાલપુર અને વેજલપુર બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને ફટકો પડી શકે તેવું મનાઇ રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 68 બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસના ભાગે માત્ર 4 બેઠકો જ આવી છે. 2010માં રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપે 57 બેઠકો પ્રાપ્ત કરી હતી જ્યારે 2015માં 38 બેઠકો પ્રાપ્ત કરી હતી તેની સરખામણીએ 2010 કરતા 11 બેઠકો જ્યારે 2015 કરતા 30 બેઠકો વધુ મેળવી છે. અર્થાત્ 2015 કરતા ભાજપની બેઠકોમાં 80 ટકા વધારો થયો છે. બીજી બાજુ કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી છે. 25 વર્ષ બાદ રાજકોટમાં કોંગ્રેસનો આ સૌથી મોટો પરાજય થયો છે.
સુરત મહાનગરપાલિકામાં 30 વોર્ડની યોજાયેલી 120 બેઠકોના પરિણામમાં ભાજપને 93 બેઠકો પ્રાપ્ત થઇ છે. જે 2010ના પરિણામની સામે 5 બેઠકો ઓછી છે જ્યારે 2015ના પરિણામની સામે 13 બેઠકો વધુ છે. સુરત મનપામાં કોંગ્રેસ એકપણ બેઠક મેળવવામાં સફળ રહ્યું નથી. આમ સુરત શહેરમા વિધાનસભાની સીટથી લઇને મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થવા પામ્યો છે.તો બીજી બાજુ અરાવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સુરતમાં પ્રથમ વખત ચૂંટણી લડીને 27 બેઠકો ઉપર તેણે જ્વાલંત વિજય મેળવ્યો છે. પરિણામો જાહેર થયા બાદ ગુજરાતની જનતાનો અરાવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આભાર માન્યો છે.  આગામી ગુરુવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરાવિંદ કેજરીવાલ સુરતમાં ભવ્ય રોડ-શો કરીને સુરતની જનતાનો આભાર માનશે. સુરતમાં આપની જ્યાં જ્યાં જીત થઇ છે તે બેઠકો ભૂતકાળમાં કોંગ્રેસ પાસે હતી આમ સુરતમાં પાસ અને કોંગ્રેસના ઝઘડામાં આપ ફાવી ગયું છે. જ્યારે સુરતના પાટીદારોએ હાર્દીક પટેલને મોટો ઝટકો આપ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડની 52 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 44 બેઠકો પ્રાપ્ત થઇ છે જે 2010ના પરિણામો કરતા 3 બેઠક વધુ છે જ્યારે 2015ની સરખામણીએ 10 બેઠકો વધુ છે. તો કોંગ્રેસને સૌથી ઓછી 8 બેઠક પ્રાપ્ત થઇ છે જે 2010 અને 2015 કરતા પણ ઓછી બેઠક છે.
વડોદરા મહાનગરપાલિકામાં 19 વોર્ડની 76 બેઠક પર યોજાયેલી ચૂંટણીના પરિણામમાં ભાજપને 69 બેઠકો જ્યારે કોંગ્રેસને 7 બેઠકો પ્રાપ્ત થઇ છે. વડોદરા મહાનગરમાં 2010 કરતા ભાજપને 8 બેઠક વધુ જ્યારે 2015 કરતા 11 બેઠકો વધુ પ્રાપ્ત થઇ છે. જ્યારે 2005માં વડોદરા મનપામાં ભાજપને 69 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી તેનું પુનરાવર્તન 2021મા થયું છે. તો બીજી બાજુ કોંગ્રેસને 2010 અને 2015 કરતા પણ ઓછી બેઠકો પ્રાપ્ત થઇ છે.
જામનગર મહાનગરપાલિકામાં 16 વોર્ડની 64 બેઠકોની યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપને 50, કોંગ્રેસને 11 અને જ્યારે બસપાને 3 બેઠકો મળી છે. 2010 અને 2015 કરતા ભાજપને અનુક્રમે 15 અને 13 બેઠકો વધુ પ્રાપ્ત થઇ છે. જ્યારે કોંગ્રેસને 2010 અને 2015 કરતા સૌથી ઓછી બેઠકો મેળવી છે. તો બીજી બાજુ જામનગરમાં માયાવતીનો હાથી કોંગ્રેસ અને ભાજપને ભારે પડતા 3 બેઠકો પર જીત મેળવીને પ્રથમ વખત ખાતુ ખોલાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યોજાનારી 6 મહાનગરપાલિકાની 576 બેઠકમાંથી 550 બેઠક જીતવાનો લક્ષ્યાંક મુક્યો હતો. આ લક્ષ્યાંકને મહદ્દઅંશે પરિપૂર્ણ કરાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer