યશવંતસિંહાના પ્રહારો: બ્લોગમાં લખ્યું, શ્રીધરન માટે કેસરિયા પક્ષે વયનો નિયમ કોરાણે મૂક્યો
નવી દિલ્હી, તા.23 : અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા યશંવતસિંહાએ મેટ્રોમેન ઈ. શ્રીધરનના 88 વર્ષની વયે ભાજપમાં સામેલ થવાના મામલે પક્ષ પર પ્રહારો કર્યા હતા. એક ખાનગી સમાચાર ચેનલમાં લખેલા બ્લોગમાં તેમણે જણાવ્યું હતું કે વયનું બહાનું બનાવીને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી માટે જે નિયમ બનાવવામાં આવ્યો હતો તે ભાજપે શ્રીધરન માટે તોડી નાખ્યો છે.
તેમણે બ્લોગમાં લખ્યું કે 88 વર્ષના શ્રીધરનને પક્ષમાં સામેલ કરીને તેમને કેરળની રાજનીતિમાં ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. નિશ્ચિત રીતે ભાજપ કેરળમાં પોતાનો ઝંડો લહેરાવવા માગે છે જેમાં શ્રીધરન તેમના કામે આવી શકે છે. આમ પણ શ્રીધરને રાજ્યપાલ બનવાનો ઈન્કાર કરી દીધો છે પરંતુ મુખ્યમંત્રી પદથી તેમને કોઈ વાંધો નથી.
પૂર્વ ભાજપ નેતાએ જણાવ્યું કે 2014માં પક્ષ તરફથી વયનું બહાનું બનાવીને આડવાણી અને જોશીને મંત્રી બનવા અને બાદમાં 2019માં ચૂંટણી લડવાથી રોકવામાં આવ્યા હતા. બંને નેતાને માર્ગદર્શક મંડળમાં મોકલી એક કિનારે કરી દેવાયા હતા. જોકે ભાજપે તે પછી જ યેદીયુરપ્પાને 75 વર્ષથી વધુની વયે કર્ણાટકના સીએમ બનાવ્યા હતા.
સિંહાએ લખ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી ભાજપમાં શક્તિશાળી ન હતા ત્યારે એવો નિયમ બનાવાયો હતો કે બેથી વધુ વખત રાજ્યસભા કોઈને મોકલાશે નહીં.
આ નિયમને કારણે અરુણ શૌરી અને શત્રુઘ્નસિંહા રાજ્યસભામાં જવાથી વંચિત રહ્યા હતા પરંતુ બાદમાં અરુણ જેટલી માટે આ નિયમ તોડવામાં આવ્યો હતો.
‘અડવાણી, જોશીને કરાયા કિનારે પણ મેટ્રોમેન માટે ભાજપે તોડયો નિયમ’
