યુકે સ્ટ્રેન હશે તો ચિંતા : કારણ જાણવા અનેક રાજયોમાંથી સેમ્પલ મંગાવાયા
નવી દિલ્હી તા.ર3 : ભારતમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં અચાનક ભારે ઉછાળો આવ્યો છે. જે માટે કોરોનાનું નવુ સ્વરૂપ (વેરિયન્ટ) જવાબદાર હોવાનું માનવામાં આવે છે. વાસ્તવિકતા જાણવા વૈજ્ઞાનિકો દ્વારા સેમ્પલનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહયુ છે. અત્યાર સુધીમાં દેશમાં 6000 સેમ્પલનું જીનોમ સિકવન્સિંગ કરાઈ ચૂકયુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકી અનુસાર છેલ્લા એક મહિનામાં મહારાષ્ટ્ર અને કેરળથી આશરે 9000 સેમ્પલ મોકલવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ ઉપરાજયપાલ અનિલ બૈજલે અધિકારીઓને કલ્સ્ટર બેસ્ડ જીનોમ સિકવન્સિંગ કરવા નિર્દેશ આપ્યો છે. આ ટેસ્ટિંગથી વાયરસના કોઈ મ્યુટેશનની ઓળખ મળે છે. પંજાબ અને બેંગ્લુરૂમાંથી પણ જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. થોડા જ દિવસોમાં એ બાબત સ્પષ્ટ થઈ જશે કે આ રાજયોમાં કોરોનાના કેસ વધવા પાછળ વાયરસનું નવુ સ્વરૂપ જવાબદાર છે કે નહીં ?
ઉપરાંત કેરળ અને મુંબઈમાં માઈક્રો લેવલ મોનિટરિંગ કરવામાં આવી રહયુ છે. સ્વાસ્થ્ય અધિકારીઓ એ બાબત તપાસી રહયા છે કે શું નવા વિસ્તારોમાં કોવિડ કલસ્ટર્સ બની રહયા છે ? ભારતમાં અત્યાર સુધીમાં જીનોમ સિકવન્સિંગ માટે 10 સર્વેલન્સ સાઈટ બનાવવામાં આવી છે. યુરોપની જેમ ભારતમાં અત્યંત ચેપી કોરોના સંક્રમણના હજુ કોઈ પુરાવા સામે આવ્યા નથી. યુકે વેરિયન્ટના અત્યાર સુધીમાં 187 કેસ નોંધાઈ ચૂકયા છે જયારે બ્રાઝીલનો એક અને સાઉથ આફ્રિકન વેરિયન્ટના 4 કેસ મળ્યા છે.
ગત સપ્તાહ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં 81 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઉપરાંત મધ્યપ્રદેશ અને પંજાબમાં કેસમાં 30 ટકાનો વધારો થયો છે. જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને છત્તીસગઢમાં સ્થિતી ચિંતાજનક છે. ચંદીગઢમાં કેસ 30 ટકા વધી ગયા છે. બેંગ્લુરૂમાં એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના 10 કેસ નોંધાયા બાદ કોમ્પ્લેકસમાં એલર્ટ જાહેર કરાયુ છે. અહીં 6 બ્લોકને કંટેઈન્મેન્ટ ઝોન બનાવાયા છે. કેન્દ્ર સરકારે કોરોનાની વર્તમાન સ્થિતિ ધ્યાને લઈ મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ, ચંડીગઢને નવો એકશન પ્લાન સોંપ્યો છે. ટેસ્ટિંગ બાદ જીનોમ સિકવન્સિંગથી મ્યુટન્ટ સ્ટ્રેન્સનું મોનિટરીંગ કરવામાં આવી રહયુ છે. દેશમાં છેલ્લા એક વર્ષમાં સાર્સ-કોવ-રના ર4000થી વધુ મ્યૂટન્ટ ઓળખી કઢાયા છે.
24 કલાકમાં કોરોના નવા 10584 કેસ, 78નાં મૃત્યુ
દેશમાં થોડા દિવસથી ફરી વધી રહેલા કોરોનાના કેસોમાં વીતેલા 24 કલાક દરમ્યાન સહેજ ઘટાડો નોંધાયો હતો અને 10584 નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1.10 કરોડને પાર થઈ હતી. જ્યારે 78 મૃત્યુ નોંધાયા હતા. 86 ટકા નવા મામલા મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રસીકરણમાં ઝડપ લાવવા જણાવ્યું હતું. બીજીતરફ, દેશમાં કોવિડ-19ના કેસો ફરી વધવામાં નવા વેરિયન્ટની કોઈ ભૂમિકા છે કે નહીં તે અંગે સંશોધન શરૂ થયું છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 10584 મામલા સામે આવતાં કુલ સંક્રમિતોનો આંક 1,10,16,434 થયો હતો. આ પૈકી 1.07 કરોડથી વધુ લોકો સંક્રમણમુક્ત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે 78 દર્દીના મોત બાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 1,56,463 થઈ હતી. 21 રાજ્યમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી.
કોરોનાનો ફડકો : વડાપ્રધાન કાર્યાલયની તાકીદની બેઠક
દેશનાં 7પ ટકા સક્રિય કેસો માત્ર બે રાજ્ય, કેરળ અને મહારાષ્ટ્રમાં
નવીદિલ્હી, તા.23 : થોડા દિવસ પહેલા જ દેશમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો હોવાનું ચિત્ર દેખાતું હતું પણ હવે કેટલાંક રાજ્યોમાં એકાએક સંક્રમણનાં કેસોમાં તીવ્ર ઉછાળાએ ભય વધારી દીધો છે. જેને પગલે આજે વડાપ્રધાન કાર્યાલય દ્વારા કોરોના વિશે એક તાકીદની બેઠક બોલાવી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાનાં સક્રિય કેસ 1.પ0 લાખથી ઓછા છે પણ કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિતનાં કેટલાક રાજ્યોમાં ફરીથી ચિંતાજનક ઝડપે કેસમાં વૃદ્ધિ થવા લાગી છે. એકલા કેરળમાં જ દેશનાં 38 ટકા એક્ટિવ કેસ છે અને મહારાષ્ટ્રમાં 37 ટકા. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં 21 કરોડ ટેસ્ટ કરી લેવામાં આવેલા છે. જ્યારે 117પ4788 લોકોને કોરોનાની રસી પણ લાગી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ કહ્યું હતું કે, ભારતમાં કોરોનાનું બ્રિટનનું રૂપ દેખાયા બાદ લેબોરેટરીનું એક છત્ર બનાવવામાં આવ્યું છે અને તે સતત કોરોનાનાં બદલાતા સ્વરૂપ ઉપર નજર રાખે છે. દરમિયાન આજે ગૃહમંત્રી અમિત શાહે પણ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને ગૃહસચિવ અજય ભલ્લા પણ હાજર રહ્યા હતાં.
કોરોનાની રફતાર વધી: જીનોમ સિકવન્સિંગ દ્વારા તપાસ
