ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટ: 2 કામદારના મોત

ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટ: 2 કામદારના મોત
વડોદરા, તા.23: ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી યુપીએલ કંપનીમાં સોમવારે મધરાત્રિના સમયે જોરદાર બ્લાસ્ટ થતાં 2 કામદારના મોત થયા છે. જેમાં 40થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. દુર્ઘટના બાદ 5 કામદાર લાપત્તા હતા જેમાંથી શુક્લતીર્થના વનરાજાસિંહ ડોડિયા અને અવિધાના નેહલ મહેતાના મૃતદેહ મળી આવ્યા છે. મધરાત્રિના થયેલો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, 20 કિમીના વિસ્તારમાં રહેતા લોકોએ ભૂકંપનો આંચકો આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. જોરદાર ધડાકાનાં કારણે આસપાસના વિસ્તારનાં ઘર અને ઓફિસોના બારી દરવાજાના કાચ તૂટી ગયા હતા.
ઝઘડિયા જીઆઇડીસીમાં ફોસ્ફરસ બનાવતી યુપીએલ કંપની આવેલી છે. કંપનીમાં રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી તે વેળા રાત્રિના બ્લાસ્ટ થતા જીઆઇડીસીને અડી આવેલા દધેડા, ફૂલવાડી, કપલસાડી સહિતનાં ગામોમાં આવેલાં મકાનોમાં કાચ તૂટયા હતા. બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વર સુધી અનુભવવામાં આવી હતી. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવાયા હતા. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બ્લાસ્ટની જાણ થતા કંપનીમાં કામ કરતા કામદારોના પરિવારજનો કંપની પર અને હોસ્પિટલ દોડી ગયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer