મૃતકનો સોનાનો ચેઇન પડાવી લેવા માટે હત્યા કરાયાનું ખુલ્યું
ખંભાળિયા, તા. 23: ભાણવડ તાલુકાના નાના એવા આંબરડી ગામના 37 વર્ષના રાણા ભીખાભાઇ સાદિયા નામના યુવાનની હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દેવા અંગે તેના કુટુંબી બે ભાઇ મહેશ મનસુખભાઇ સાદિયા અને હિતેષ સાદિયાની પોલીસે ધરપકડ કરી હતી.મૃતકનો સોનાનો ચેઇન પડાવી લેવા માટે કાવત્રુ રચીને ખૂન કરાયું હતું.
બે દિવસ પહેલા આંબરડી ગામની સીમમાં આવેલા અવાવરૂ કૂવામાંથી એ જ ગામના રાણા ભીખાભાઇ સાદિયા નામના યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી. પ્રથમ આ યુવાને આપઘાત કર્યો હોવાનું અનુમાન કરાયું હતું. બાદમાં આ યુવાનનુ ગળાટૂંપો દઇને ખૂન કરાયાની વિગત બહાર આવી હતી. પોલીસની તપાસમાં શંકાના દાયરામાં આવેલા મૃતકના કુટુંબી ભાઇ મહેશ મનસુખભાઇ સાદિયા અને તેના ભાઇ હિતેષની અટકાયત કરીને આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી. પોલીસની પુછપરછમાં બન્ને ભાઇએ એવી કબુલાત આપી હતી કે, તેમને પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી. તેનો કુટુંબી રાણા કાયમ ગળામાં સોનાનો ચેઇન પહેરતો હોય તે પડાવી લઇને પૈસાની જરૂરિયાત પુરી કરવાનું આયોજન કર્યુ હતું. આ માટે તેના સંબંધી સબરીબહેન ચીમનભાઇ સાદિયાનો સાથ લીધો હતો. મૃતકને ઘેર બોલાવ્યો હતો. ત્યાં મહેશે મૃતક રાણાના માથામાં પિતળનો કળશિયો માર્યો હતો. તેના કારણે મૃતક બેભાન થઇ ગયો હતો. બાદમાં તેને દોરડાની ગળાટૂંપો આપીને પતાવી દીધો હતો અને અંદાજે રૂ. 1.20 લાખની કિંમતનો ત્રણ તોલા વજનનો ચેઇન કાઢી લીધો હતો. એ પછી હિતેષની મદદ લઇને રાણાના હાથ-પગ હાથી બાઇક પર સીમમાં ગયા હતાં અને અવાવરૂ કૂવામાં લાશને ફેંકી દીધી હતી. આ વિગતના આધારે પોલીસે બન્ને ભાઇની ધરપકડ કરી હતી અને સબરીબહેન સાદિયાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આંબરડીના યુવાનની હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દેવા અંગે કુટુંબી બે ભાઇની ધરપકડ
