બાબરા, તા. 23: અહીંના દરેડ રોડ પર સીમ વિસ્તારમાં સગીર પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લીધો હતો. મૂળ ઉના તાલુકાના વતની 15 વર્ષની કિરણ અને બાબરાના 16 વર્ષના સાગરે વિષપાન કરીને આત્મહત્યા કરી હતી.
બાબરાના સીમ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં મૂળ ઉના તાલુકાના વતની દિનેશભાઇ મોહનભાઇ દાફડાની 15 વર્ષની પુત્રી કિરણ અને બાબરામાં રહેતાં મિત્રી અરવિંદભાઇ પરમારનો 16 વર્ષનો પુત્ર સાગર બે દિવસ પહેલા તા.21મીથી ગુમ થઇ ગયા હતાં. બન્નેના પરિવાર શોધખોળ કરતાં હતાં. દરમિયાન દરેડ જવાના રસ્તે સીમ વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી હતી. વાડી માલિક તેના પશુઓને નિરણ નાખવા ગયા હતાં ત્યારે વાડી પાસેના ખાડામાં મૃતદેહ જોયા હતાં. આથી પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસની તપાસમાં સગીર વયના
ત્રી અને પુરૂષના મૃતદેહ હતાં અને મૃતદેહની બાજુમાં જંતુનાશક દવાનું ડબલુ પડયું હતું તેના પરથી એ બન્નેએ ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લીધાનું અનુમાન કરાયું હતું. મૃતકની ઓળખ મેળવવા કરાયેલી કાર્યવાહીમાં કિરણ દાફડા અને સાગર પરમારની લાશ હોવાનું ખુલ્યું હતું. પોલીસની પૂછપરછમાં એ બન્નેના વાલીઓએ તા.21મીએ બન્ને ગુમ થઇ ગયાનું અને મૃતક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોય અને નાની ઉંમર હોવાથી તેના કારણે લગ્ન કરી શકે તેમ ન હોવાના ડરથી બાળક બુધ્ધિના કારણે બન્ને સજોડે ઝેર પી આત્મહત્યા કરી લીધાનું ખુલ્યું હતું. જમાદાર લલીતભાઇ શ્રીમાળીના જણાવ્યા પ્રમાણે મેજીસ્ટ્રેટને જાણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં. મૃતક સાગર છ ભાઇમાં નાનો હતો. કિરણના પિતા બે વર્ષથી પરિવાર સાથે ઉના પંથકમાંથી બાબરા આવીને સીમમાં ખેતમજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.
બાબરામાં સગીર પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
