અમદાવાદ, તા. 23: આવતીકાલે બુધવારે અમદાવાદમાં આકાર પામેલાં વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદના હસ્તે ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. આ બન્ને મહાનુભાવોના આગમનને પગલે હાલ સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ - ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. મેચ શરૂ થાય તે પહેલાં આવતીકાલે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. 6 વર્ષ બાદ અમદાવાદમાં નવા તૈયાર થયેલા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચ નિહાળવા ક્રિકેટરસિકો આતુર છે. કોરોનાની તમામ ગાઈડલાઈનના પાલન સાથે જ દર્શકોને ગ્રાઉન્ડમાં હાજરી આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ અને ગૃહપ્રધાન અમિત શાહ મેદાનમાં હાજર રહેવાના હોઈ હાઈએલર્ટ વચ્ચે સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી સ્ટેડિયમમાં પ્રાઇવેટ સિક્યુરિટી સંસ્થા પણ રાખવામાં આવી છે. જે પોલીસ સાથે જ મેચ દરમિયાન બંદોબસ્તમાં રહેશે.
મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. તો સાથે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સ્ટેડિયમમાં કડક ચાકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમ ઉપરાંત આશ્રમ રોડ ઉપર આવેલી હોટલમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાષ્ટ્રપતિના હસ્તે આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન
