દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ પર ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા કરો યા મરો સમાન મુકાબલો
અમદાવાદમાં રમાનાર ડે-નાઇટ ટેસ્ટ મેચ બપોરે
2-30થી શરૂ થશે
અમદાવાદ, તા.23: દુનિયાના સૌથી મોટા અને અદ્યતન ક્રિકેટ સંકુલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ (મોટેરા) ખાતે આવતીકાલ બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુલાબી દડાથી ડે-નાઇટ મુકાબલો શરૂ થશે. ત્યારે મોટેરાની નવી-નવેલી પિચ પર ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને સંકટમાં મુકવા માટે ટીમ ઇન્ડિયાએ ગુલાબી દડાના પાછલા ભયાવહ દેખાવને ભૂલીને ઉચિત પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પહેલા ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો 36 રનમાં ધબડકો સર્જાયો હતો. આ હાર કેપ્ટન કોહલી અને ટીમને કયાંક ને કયાંક ખટકી રહી હશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે પણ આ મેચ બન્ને ટીમ માટે કરો યા મરો સમાન જેવો છે.
બુધવારે ભારતનો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા મોટરાના મેદાન પર તેનો 100મો ટેસ્ટ મેચ રમવા ઉતરશે અને કપિલ દેવ બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ભારતીય ઝડપી બોલર બની જશે. ઇશાંતની ઇલેવનમાં પંસદગી હાલ નિશ્ચિત માનવામાં આવે છે. તેની સાથે લોકલ બોય જસપ્રિત બુમરાહ હશે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ છે.
સરદાર પટેલ સ્ટેડિયમનું નવિનીકરણ થયું છે. તે હવે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. જો કે અહીં લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે. આથી ટીમ ઇન્ડિયા પર સાવધાની સાથે મેદાને પડશે. ભારતીય ટીમ ઇચ્છશે કે અહીંનો ટ્રેક સંપૂર્ણ ઝડપી બોલરોને મદદ આપે તેવો નહીં, પણ સ્પિનરોને પણ મદદ મળે તેવો હોય, જેથી શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી શકે. પરંતુ મોટેરાની નવી પિચનો વ્યવહાર કેવો હશે તે સમય જ કહેશે. રોહિત શર્મા પિચને લઇને તેનો મત સ્પષ્ટ કરી ચૂકયો છે. તેણે કહ્યંy હતું કે અમે એવી પિચ ઇચ્છીએ છીએ કે જેમાંથી અશ્વિન અને અક્ષર જેવા બોલરોને મદદ મળે. ઠીક એવી રીતે જે રીતે ઇંગ્લીશ કપ્તાન જો રૂટ હેડિંગ્લે કે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા આપે છે. જો કે કેટલાક એવા સવાલ છે જે બન્ને ટીમે શોધવા પડશે. ડે-નાઇટ ટેસ્ટ અને પિન્ક બોલને લીધે સંધ્યાટાણે બન્ને ટીમના બેટધરોની કસોટી થશે. ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનું માનવું છે કે આ દરમિયાન પિન્ક બોલ વધુ સ્વિંગ થાય છે. મેચ બપોરે 2-30થી શરૂ થવાનો છે. આથી અંતિમ સત્રમાં ઝાકળની ભૂમિકા પણ મહત્વની બની રહેશે. એ સમયે સ્પિનરો માટે બોલ પર ગ્રીપ બનાવવી મુશ્કેલ બનશે. આ મુદા પર ઇશાંત શર્માએ સ્વીકાર્યું છે કે આ મેચ ડે-નાઇટમાં રમવાનો છે અને નવી પિચ હશે. એટલે અમે પણ જાણતા નથી કે કેમ પાર પાડશું. જો કે ઇંગ્લેન્ડની ટીમનું માનવું છે કે મોટારાની નવી પિચ પાછલા મેચમાં જેવી ચેપોકની પિચ હતી તેવી જ હશે.
ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. તેણે ભારતમાં રમાયેલા ગુલાબી દડાના ટેસ્ટમાં સદી કરી હતી. તે પાછલા એક વર્ષથી સદી કરી શકયો નથી. આથી અમદાવાદમાં તેના બેટમાંથી સદીની મોટી ઇનિંગ નીકળે તેવું ચાહકો ઇચ્છી રહ્યા છે. ભારતની બેટિંગ લાઇનઅપ મજબૂત છે. જેમાં ફેરફારને અવકાશ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોને તક નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત ક્રાઉલીનો પણ સમાવેશ થઇ શકે છે. એન્ડરસન અને આર્ચર વાપસી કરશે.
ભારતીય ક્રિકેટની અનેક ઉપલબ્ધિઓનું અમદાવાદ સાક્ષી
અમદાવાદ ભારતીય ક્રિકેટની ઘણી ઉપલબ્ધિઓનું સાક્ષી રહી ચૂકયું છે. મહાન સુનિલ ગવાસ્કરે અહીં જ તેના 10000 ટેસ્ટ રન પૂરા કર્યાં હતા. કપિલ દેવે અહીં 83 રનમાં 9 વિકેટ લઇને તેનું સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોં હતો. બાદમાં રિચર્ડ હેડલીનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ પણ કપિલે અમદાવાદમાં જ તોડયો હતો. સચિન તેંડુલકરે તેની પહેલી બેવડી સદી અહીં જ ફટકારી હતી, તો રવિચંદ્રન અશ્વિન પાસે અહીં તેની 400 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની તક છે. આ માટે તેને 6 વિકેટની જરૂર છે.
મોટેરાની નવી-નવેલી પિચ પર આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ગુલાબી દડાથી ટક્કર
