દેશભરની પોસ્ટ કચેરીમાં $ 251નો મનીઓર્ડર કરવાથી ઘરે બેઠા પ્રસાદ પહોંચાડવાની શરૂઆત કરતું સોમનાથ ટ્રસ્ટ
(ફૂલછાબ ન્યુઝ)
વેરાવળ, તા.22 : જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા ભકતો ઘરબેઠા મેળવી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ સાથે મળીને વધુ એક સેવાનું આયોજન કર્યુ છે. આ સેવા થકી દેશભરમાં કાર્યરત દોઢ લાખ પોસ્ટ ઓફિસમાંથી રૂ.251 નો મની ઓર્ડર કરવાથી સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરબેઠા મેળવી શકશે. આ સેવાનું આજ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ.
જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભકતો ઘરબેઠા ભક્તિ કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવી છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું આજે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારએ ઇ લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહેલ હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.
જે અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતોને ઘરબેઠા પ્રસાદી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ સાથે નવી સેવાનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાં દોઢ લાખ પોસ્ટ કચેરીઓ કાર્યરત છે. દેશના કોઇપણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહાદેવના ભકત પોસ્ટ કચેરી મારફત રૂ.251 નો મનીઓર્ડર કરશે એટલે ત્રણથી ચાર દિવસમાં તે ભાવિકના ઘરે સોમનાથ મહાદેવની પ્રસાદીનું બોકસ પોસ્ટ વિભાગ મારફત પહોંચી જશે. પ્રસાદી બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામનો પ્રસાદ રહેશે. હાલ આ સેવા દેશ પુરતી મર્યાદીત છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં વસતા શિવ ભકતો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાનું વિચાણા હેઠળ છે.