અઠવાડિયામાં ડબો $ 50 મોંઘો થતા વપરાશકારોમાં કચવાટ
પામતેલની તેજીના પગલે કપાસિયા, પામતેલ અને સૂર્યમુખી તેલ પણ ઊંચકાયા
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.22: ચીનમાં લુનાર મહોત્સવ સમાપ્ત થઈ જતા નિકાસકારો ફરી ભારતમાંથી સીંગદાણા અને સીંગતેલની ખરીદી માટે આગળ આવ્યા છે. પરિણામે ઘરેલુ બજારમાં સીંગતેલની માંગ વધતા નામી બ્રાન્ડવાળાઓ અને મિલરોની સીંગતેલ પર પકડ છે. એ કારણે છેલ્લા એક અઠવાડિયામાં સીંગતેલ નવી રૂ.2420-2470ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. હવે રૂ. 2500ની નવી વિક્રમી સપાટી નજીક છે. સપ્તાહમાં સીંગતેલનો ડબો રૂ.50 મોંઘો થઈ ગયો છે. તો વૈશ્વિક પામતેલના વાયદામાં તેજીનાં પગલે સ્થાનિક આયાતી તેલો પામતેલ અને સૂર્યમુખી સહિત કપાસિયા તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
પેટ્રોલ ડીઝલ બાદ હવે સીંગતેલ જેવા ખાદ્યતેલોમાં પણ નવેસરથી તેજીના ભડકા શરૂ થયા છે. સીંગતેલ અઠવાડિયામાં રૂપિયા 50 મોંઘું થઇ જતા ખાનાર વર્ગ અને ફરસાણના વેપારીઓમાં કચવાટ પેદા થયો છે. વૈશ્વિક પામતેલની તેજી ઉપરાંત ચીનમાં સીંગતેલની માંગ નીકળતા તેજી કારણભૂત હોવાનું વેપારીઓ કહે છે.
વેપારીઓએ વધુમાં કહ્યું કે, અગાઉ ચીનમાં સીંગતેલના પુષ્કળ સોદા થઈ ચૂક્યા છે. વચ્ચે 15 દિવસના લુનાર મહોત્સવને લીધે નિકાસનાં કામ ઠપ થઈ ગયાં હતાં પણ હવે ફરી નિકાસકારો સોદા કરવા આગળ આવતા ઘરેલુ બજારના ખાદ્યતેલોના ઊંચકાવા લાગ્યા છે. અમુક વેપારીઓએ કહ્યું કે, વપરાશકારોમાં હજુ મોંઘું થવાના દરે સીંગતેલની ખરીદી શરૂ કરી છે. આ એક કારણ પણ તેજી પાછળ કારણભૂત છે.
મલેશિયન પામતેલની તેજી પાછળ કપાસિયા તેલ, પામતેલ અને સૂર્યમુખી તેલમાં પણ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. સપ્તાહ દરમિયાન કપાસિયા તેલ રૂ.25, પામતેલ રૂ.45 અને સૂર્યમુખી તેલ રૂ.40 મોંઘુ થઈ ગયું છે. ત્રણેય ખાદ્યતેલોના ડબાના ભાવ અનુક્રમે રૂ.1905-1935, પામતેલ રૂ.1815-1820 અને સૂર્યમુખી તેલ રૂ.2140-2160ની સપાટીએ હતા.