કોડિનારના છાછરની ઘટનાને પગલે ડોળાસા, આલિદર સહિતના ગામો સ્વયંભૂ અડધો દિવસ બંધ રહ્યા
(ફૂલછાબ ન્યુઝ)
કોડિનાર તા.22 : કોડિનાર તાલુકાના છાછરમાં બે દિવસ પૂર્વે છોકરાઓની તકરારમાં છોડાવવા પડેલ મનસુખભાઈ ગેડિયા ઉપર મુસ્લિમ સમાજના અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરાયાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી તેના બીજા દિવસે રાત્રીના ચોક્કસ કોમનાં ટોળાએ રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસના પાંચ જેટલા કાર્યકરો પિયુષભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ પરમાર, જેન્તીભાઇ ગોહિલ, ગોપાલભાઈ વાળા, વિજયભાઈ ખખ્ખર તથા સ્થાનિક રવિભાઇ પઢીયાર પર હુમલો કર્યો હતો.
એક કાર્યકરના ઘરે કોઈ મરણ થયું ત્યાં બધા કાર્યકરો બેસવા ગયા, પરંતુ ત્યાં આવી શખસોએ હુમલો કર્યો હતો. જેના પગલે છાછર ગામ સહિત કોડિનાર પંથકમાં રોષનો માહોલ છે. આ ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનોના એલાન મુજબ અડઘો દિવસ કોડિનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારો જડબેસલાક બંઘ રહ્યા હતા. કોડિનારમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
છાછરના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે. આ ઘટનાના વિરોધમાં અડઘો દિવસ હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપતા સવારથી કોડિનાર શહેર ત્થા ગ્રામ્ય વિસ્તાર જડબેસલાક બંધ રહ્યો. તાલુકાના ગીર દેવળી, સીંધાંજ, ડોળાસા, ઘાંટવડ, આલીદર સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ રીતે અડઘો દિવસ જડબેસલાક બંધ રહ્યા હતા. શહેર હોય કે ગ્રામ્ય કયાંય પણ એક પણ દુકાનના શટર ખુલ્યા ન હતા.
સવારે 10 કલાકે કોડિનારમાં સોમનાથ મંદિરના પટાંગણમાં વિહિપ, આરએસએસ સહિત હિન્દુ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઇ વિઠલાણી, યાર્ડના ચેરમેન સુભાષભાઇ ડોડિયા, કરણી સેનાના વિજયાસિંહ જાદવ, સુરાસિંહ મોરી, વિજયભાઇ ખખ્ખર, ભાવેશ કામદાર, ચિરાગભાઇ મોરી સહિતના તમામ સમાજના આગેવાનોની હાજરીમાં મૌન રેલી નીકળી હતી. જે વિવિઘ માર્ગો પરથી પસાર થઇ મામલતદાર કચેરીએ પહોંચી હતી. આગેવાનોએ મામલતદાર અને પીઆઇને આવેદનપત્ર પાઠવ્યું હતું. પીઆઈ ચુડાસમાએ જણાવ્યું કે આ બનાવના આરોપીઓમાંથી 8 આરોપીને રાઉન્ડ અપ કરી લીધા છે. બાકીના આરોપી ઝડપાઈ જશે.
આગેવાનોએ છાછરની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી હતી. પરિસ્થિતિને ધ્યાને લઇ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત છાછરમાં ગોઠવ્યો હતો.
-------------------
દાખલા રૂપ કાર્યવાહીની માગ સાથે જિલ્લા કલેકટરને આવેદન
વેરાવળ, તા.22: ગીર સોમનાથના કોડિનાર તાલુકાના છાછર ગામે આરએસએસના કાર્યકરો પર હિંસક હુમલાના વિરોધમાં ગીર સોમનાથ હિન્દુ સમાજના આગેવાનો-કાર્યકરોએ જય શ્રીરામના નારા બોલાવતા રોષભેર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. છાછરની ઘટનાને લઇ હિન્દુ સમાજમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્ભવી હોય તેને ઠારવા આરોપીઓને સત્વરે પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ હિન્દુ સમાજના જીતુભાઇ કુહાડા, દેવાભાઇ ધારેચા, કાનભાઇ બામણીયા, ચંદ્ર પ્રકાશભાઇ ભટ્ટ, દુષ્યંતભાઇ ભટ્ટ, હરદાસભાઇ સોલંકી સહિત આરએએસ, વીએચપીના કાર્યકરોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે જિલ્લાના કોડિનાર તાબાના છાછર ગામે તા.19 અને 20ના રોજ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવાના અભિયાન માટે ગયેલ કાર્યકરો પર રાત્રીના સમયે ચોક્કસ કોમના લોકોએ જીવલેણ હુમલો કરેલ હતો. જેમાં આરએસએસના જીજ્ઞેશ પરમાર સહિતના કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હિચકારા હુમલાની ઘટના સમગ્ર હિન્દુ સમાજને આઘાત પહોંચાડનારી છે. આવી ઘટના ફરી ન ઘટે તે માટે કસૂરવારોને કડક સજા અપાવે તે જરૂરી છે.