મહાપાલિકાઓમાં ફરી ભાજપ શાસન, પણ પેનલ તૂટશે ?

અમદાવાદમાં 192માંથી 151 થી 154, વડોદરામાં 76માંથી 61થી 63 બેઠક ભાજપ જીતશે ? : રાજકોટમાં ભાજપને 72માંથી 51થી 53, ભાવનગરમાં 52માંથી 35થી 37 તથા જામનગરમાં 64માંથી 43થી 45 બેઠક મળવાની સંભાવના
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ તા.22 : રાજ્યની છ મહાપાલિકાનુ મતદાન ગઈકાલે પૂર્ણ થયાં બાદ હવે આવતીકાલે પરિણામો જાહેર થવા જઈ રહ્યાં છે ત્યારે બુકીઓની બજારમાં પણ ગરમાવો આવી ગયો છે. મતગણતરીના 24 કલાક પૂર્વે બુકીબજારમાં ભાવ ખોલી નાખવામાં આવ્યાં છે અને આ બજારના મતે ભાજપ 72 પૈકીની 50થી વધુ બેઠકો પર જીત મેળવે તેવા ભાવ ખોલવામાં આવ્યાં છે સાથોસાથ અનેક વોર્ડની પેનલો તુટશે
તેવા અનુમાનો પણ લગાડવામાં આવી રહ્યાં છે.
બુકી બજારના મતે વોર્ડ નં.2,7,9 અને 14માં ભાજપની પેનલ તુટે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. વોર્ડ નં.2માં ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજ ઉમેદવારો વચ્ચે ‘ડુ ઓર ડાઈ’ જેવો જંગ ચાલી રહ્યો છે પરંતુ છેલ્લે જીત કોંગ્રેસ ઉમેદવારની જ થશે તેથી ભાજપના ઉમેદવારના ઉચા પૈસે ભાવ ખોલવામાં આવ્યાં છે એ જ રીતે વોર્ડ નં.14માં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડનો વોર્ડ છે ત્યાં પણ ભાજપના એક દિગ્ગજ ઉમેદવારનો અત્યંત ઉંચો ભાવ રાખવામાં આવ્યો છે.  વોર્ડ નં.7માં પણ ભાજપના બે ઉમેદવારોના ભાવ ઉંચા રાખવામાં આવ્યાં છે જ્યારે વોર્ડ નં.9માં પણ ભાજપના ઉમેદવારના ભાવ ખોલવામાં આવ્યાં છે. બુકીઓના જણાવ્યામુજબ જે ઉમેદવારની જીતની સંભાવના ફિફ્ટી-ફિફ્ટી હોય છે તેના ભાવ ખોલવામાં આવે છે અને તે પણ અત્યંત ઉચા રાખવામાં આવતા હોય છે. અલબત મતદાન પૂર્ણ થયાને હજુ એક જ દિવસ થયો હોવાથી ભાવ ખોલવા માટે તેઓને પૂરતો સમય મળ્યો નથી. બીજી બાજુ પંટરો પણ આ વખતે સટ્ટો લગાડવાનું ટાળી રહ્યાં છે. પંટરોનું માનવું છે કે, ક્યાંક બુકીઓ દ્વારા તેઓને ‘ખાલી’ કરી નાખવા માટે જાણી જોઈને ઉંચા ભાવ તો ખોલવામાં આવી રહ્યાં નથી ને ?
સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો છ મહાપાલિકાની કુલ 576માંથી 431થી 441 બેઠકો ભાજપના ફાળે આવશે તેવી આગાહી બુકીબજાર દ્વારા કરવામાં આવી રહી છે.  બુકીબજારના મતે રાજકોટની 72માંથી ભાજપને 51થી 53, સૂરતની 120માંથી 90થી 93, અમદાવાદની 192માંથી 151થી 154, વડોદરાની 76માંથી 61થી 63, ભાવનગરની 52માંથી 35થી 37 તથા જામનગરની 64માંથી 43થી 45 બેઠકો ભાજપ વિજયી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer