રાજકોટમાં યુવાનનું અપહરણ કરી ધોકાવનાર કિન્નરો સામે નોંધાતો ગુનો

વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કર્યો’તો
રાજકોટ, તા.રર: મૂળ સુરેન્દ્રનગર પંથકના અને હાલમાં રાજકોટમાં રહેતા યુવાનનું રમાનાથપરા વિસ્તારમાં રહેતા કિન્નરોએ રીક્ષામાં અપહરણ કરી ધોકાવી નાખ્યો હતો અને બાદમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી છ કિન્નર અને રીક્ષાચાલક સહિતના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ સુરેન્દ્રનગરનાં પાટડી તાબેનાં સાવડા ગામનો વતની અને હાલમાં ગોકુલધામ મેઇન રોડ પર ડાલીબાઈ આરએમસી ક્વાર્ટરમાં અનસુયાબેનના ક્વાર્ટરમાં ભાડેથી રહેતા મેહુલ ઉર્ફે પાયલ રાઠવા દુધાભાઈ રાઠોડ નામના યુવાને રામનાથપરા વિસ્તારમાં રહેતા કિન્નર મીરાદે ઉર્ફે ફટકડી, પીનલદે, અજંલિદે, ગોપીદે, નિકિતાદે, ભાવિકાદે તથા કપીલ નામનો રીક્ષાચાલક સહિતના વિરુદ્ધ અપહરણ કરી મારકૂટ કરી વીડિયો ઉતારી વાયરલ કરી બદનામ કર્યાની ફરિયાદ નોંધાવતા મા.નગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ મામલે એસીએસટી સેલના એસીપી એસ.ડી.પટેલ તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં મેહુલ ઉર્ફે પાયલ રાઠોડ નામનો યુવાન ત્રીની વેશભૂષાવાળાં કપડાં પહેરતો હોય રામનાથપરામાં રહેતા કિન્નર મીરાદે ઉર્ફે ફટકડી, પીનલદે અને અંજલિદે સહિતનાં ઘેર ધસી આવ્યા હતા અને મેહુલ ઉર્ફે પાયલ તથા સાહેદ વિશાલ ઉર્ફે બાબુ રમેશ ચૌહાણનું બળજબરીથી રીક્ષામાં અપહરણ કરી લોધાવાડ ચોકમાં લઈ ગયા હતા અને ધોકાથી મારકૂટ કરી હતી.
બાદમાં અન્ય કિન્નરો ગોપીદે, નિકિતાદે અને ભાવિકાદે સહિતના આવ્યા હતા અને મેહુલ ઉર્ફે પાયલને બળજબરીથી પકડી રાખી કપડાં ઉતારી લઈ અશ્લિલ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કર્યો હતો. બાદમાં બીજા દીવસે ફરીથી કિન્નરો મેહુલ ઉર્ફે પાયલનાં ઘેર ગયા હતા અને મા.નગર પોલીસ મથકે લઈ જઈ તેના ગુરુનું અપમાન થયું હોય માફી માગવા માટે માથાકૂટ કરી હતી અને કિન્નરોએ કપડાં ઉતારી સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો હતો. બાદમાં પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો હતો. આ અંગે એસીએસટી સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરી કિન્નરોની શોધખોળ શરૂ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer