ઈલેકશન ઓવર, કોરોના અનલોક!

ઈલેકશન ઓવર, કોરોના અનલોક!
-કોરોનાના નવા વેરિએન્ટને પગલે આરોગ્ય વિભાગ અલર્ટ પર, રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરી શરૂ કરાયાં : મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુસાફરોનું સઘન ચાકિંગ
 
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.22 : દેશના અન્ય રાજ્યોમાં કોરોના ફરી બેકાબૂ બનવા લાગ્યો છે અને ખાસ કરીને કેટલાક દેશોમાં પણ વેરિએન્ટ કેસ વધી રહ્યા છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોરોનાની ગાઇડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનાં કારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધું હોવાનું જાણવા મળ્યું છે. શહેરોમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. દેશમાં કોરોના સંક્રમણમાં
રાહત મળી રહી છે અને પ્રતિબંધાત્મક આદેશો ઘટાડવામાં આવી રહ્યા છે, તેથી હવે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોના વાયરસનો જે નવો વેરિએન્ટ દેખાયો છે એના ભારતમાં કેસ નોંધાયા છે અને એ સાથે અગાઉ બ્રિટનના વેરિએન્ટના કેસ પણ ભારતમાં નોંધાયા હતા. પણ એને ઘટાડવામાં સફળતા મળી હતી, એ વચ્ચે આ નવા વેરિએન્ટની સામે ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે અને મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનોને રોકીને ભિલાડ ચેકપોસ્ટ ઉપર એન્ટીજન ટેસ્ટ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. જો કે ગુજરાતમાં હજુ આ નવા વેરિએન્ટનો એકપણ કેસ નોંધાયો નથી, પણ રાજ્ય સરકાર કોઈ ઢીલાશ આપવા માગતી નથી.
રાજ્યના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું હતું કે, રાજ્યમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરોનું ફરી પૂરું ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ વિદેશી વિમાની સેવાઓ અત્યંત મર્યાદિત છે, પણ દેશના અન્ય ભાગોમાંથી આવતા વિદેશીઓ જેઓ બાદમાં ગુજરાતમાં આવે છે તેઓ પણ વેરિએન્ટ લઈને ન આવે એની ચિંતા કરવામાં આવી રહી છે. અગાઉ બ્રિટનના વેરિએન્ટના રાજ્યમાં નવ કેસ નોંધાયા હતા અને તેમને એરપોર્ટથી જ અલગ કરીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રજા અપાઈ હતી.
અમદાવાદ સહિતનાં શહેરોમાં ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતાં શહેરમાં રેપિડ ટેસ્ટ માટે ઊભાં કરવામાં આવેલા ડોમમાંથી 85 જેટલાં ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. શહેરમાં રોજ 50 જેટલા કેસો નોંધાવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું, પરંતુ રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હોવાથી રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.
----------------------
ચૂંટણીવાળા ચારેય જિલ્લામાં કોરોનાના કેસમાં થયો વધારો
સૌરાષ્ટ્રના 74 સહિત રાજ્યમાં નવા 315 કેસ, 1 મૃત્યુ, 272 દર્દી ડિસ્ચાર્જ થયા: સૌરાષ્ટ્રના 3 સહિત 9 જિલ્લામાં એક પણ કેસ નહીં
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.22: રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ 300થી નીચે નોંધાતા હતા. પરંતુ છ મહાનગરોમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓ દ્વારા જે રીતે કોરોનાની એસઓપીનો ભંગ કરાયો હતો તેના પગલે ગત રોજ ચૂંટણી પત્યા બાદ તરત જ કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ કેસમાં વધારો નોંધાયો છે. બીજી જ્યારે રાજ્ય સરકારના પોતાના કામ હોય કે ચૂંટણી હોય ત્યારે કોરોના લોક થઈ જાય છે અને તે કામ કે ઉદ્દેશ્ય પુરો થયા બાદ કોરોના અનલોક થઈ જતો હોય તેવું જણાઈ આવે છે. ગુજરાતમાં વિતેલા 24 કલાકમાં સૌરાષ્ટ્રના 74 સહિત નવા 315 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ નીપજતા કોરોનાથી કુલ મૃત્યુનો આંક 4406 થયો છે. સતત ધટતા જતા એકિટવ કેસ આજે ફરીથી 1700 વટાવીને 1732 થયા છે, જેમાં 30 વેન્ટિલેટર પર છે. જો કે રાહતની વાત એ છે કે રાજયના 9 જિલ્લામાં આજે એક પણ કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યમાં 272 દર્દી કોરોનાને મહાત આપતા કુલ ડીસ્ચાર્જ દર્દીનો આંક 2,61,281 થયો છે.
રાજયમાં નોંધાયેલા 315 નવા કેસમાં અમદાવાદના 72, વડોદરાના 68, સુરતના 52, રાજકોટના 42, ગાંધીનગરના 10, જામનગરના 9, જુનાગઢના 6, ભાવનગરના 1, કચ્છના 10, ખેડાના 7, નર્મદાના 6, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથના 5-5, સાબરકાંઠાના 4, અમરેલી, મહાસાગર અને મોરબીના 3-3, આણંદ અને તાપીના 2-2, ભરૂચ, દાહોદ, મહેસાણા, નવસારી અને પંચમહાલના 1-1 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ મળીને 9 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યકિતઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 67,300 વ્યકિતઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer