રાજકોટ, જામનગર, ભાવનગરના ઉમેદવારના ભાવિ થશે અનલોક

રાજકોટ, જામનગર, ભાવનગરના ઉમેદવારના ભાવિ થશે અનલોક
રાજકોટમાં 6 સ્થળે 72 ટેબલ પર, જામનગરમાં એક અને ભાવનગરમાં 4 કેન્દ્ર પર થશે મતગણના:  સવારે 9 વાગ્યાથી ગણતરી શરૂ, બપોર સુધીમાં પરિણામ આવવાની શક્યતા
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.22 : રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના મતદાનનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. જેમાં ભાજપે તમામ બેઠક પર જીતનો દાવો કર્યો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપના મત કાપશે તેવું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે. આ બધી ચર્ચા વચ્ચે આવતીકાલે સૌરાષ્ટ્રની ત્રણેય મહાનગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠકની ચૂંટણીમાં 50.72 ટકા મતદાન થયું છે. જેમાં મતદારોએ 293 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ કર્યા છે. આવતીકાલે છ અલગ અલગ સેન્ટર પર સવારે 9 વાગ્યાથી મતગણતરી શરુ કરવામાં આવશે. પ્રત્યેક સેન્ટરમાં ત્રણ-ત્રણ વોર્ડની મતગણતરી થશે. આ માટે એક મતગણતરી સેન્ટરમાં 12 ટેબલ નક્કી કરવામાં આવ્યા છે તેમજ 982 કર્મચારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક માટે 53.64 ટકા મતદાન થયું હતું. જેમાં 236 ઉમેદવારના ભાવિ નક્કી કરવા માટે જામનગરની હરિયા કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં ગોઠવાયેલા ઈવીએમમાંથી અહીંજ મતગણના કરવામાં આવશે. તેના જુદા જુદા ચાર વિભાગો પાડવામાં આવ્યા છે. દરેક રાઉન્ડમાં 14 ટેબલ ગોઠવી દેવામાં આવ્યા છે. તેમાંય સમગ્ર વોર્ડનું એકસાથે પરિણામ જાહેર કરવામાં આવશે. આ માટે ચાર રીટર્નીંગ ઓફિસરોની રાહબરી હેઠળ 350થી વધુ સ્ટાફ અને 500થી વધુ સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠક માટેની ચૂંટણીમાં 49.47 ટકા મતદાન થયું હતાિં. જેમાં 202 ઉમેદવારના ભાવિ નક્કી કરવા માટે આવતીકાલે ઈજનેરી કોલેજ ખાતે ચાર કેન્દ્ર પર મતગણતરી કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા પોલીસ, એસઆરપી જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer