પુડ્ડુચેરીમાં ‘કોંગ્રેસરાજ’નો અંત

પુડ્ડુચેરીમાં ‘કોંગ્રેસરાજ’નો અંત
બહુમત પૂર્વે જ નારાયણ સામીનું રાજીનામું : હવે માત્ર પાંચ રાજ્યમાં જ સત્તા
નવી દિલ્હી, તા. 22 : દક્ષિણ ભારતીય રાજ્ય પોંડિચેરીમાં છેલ્લા ઘણા દિવસથી જારી રાજકીય સંકટ સોમવારે કોંગ્રેસ સરકારના પતન સાથે ખતમ થઈ ગયું છે. આજે વિશ્વાસ મત પરીક્ષણ થવાનું હતું, પરંતુ તે પહેલાં જ મુખ્યમંત્રી નારાયણ સામી સહિત કોંગ્રેસ, દ્રમુક ધારાસભ્યો વોકઆઉટ કરી ગયા હતા.
ત્યારબાદ, વિધાનસભા સ્પીકરે એલાન કર્યું હતું કે, નારાયણ સામી સરકારે બહુમત ખોઈ દીધો છે. નારાયણ સામીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું પણ આપી દીધું છે.
પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ એ પાંચ રાજ્યો પૂરતી સમેટાઈને કોંગ્રેસ પાસે આખા દેશમાં ક્યાંય સત્તા રહી નથી. એક સમયમાં વટવૃક્ષની જેમ આખા દેશમાં ફેલાયેલા કોંગ્રેસ પક્ષની વર્તમાન હાલત માટે રાજકીય પંડિતો કમજોર પડતાં સંગઠન અને સમર્પિત કાર્યકરોની અછતને જવાબદાર ગણાવે છે. કોંગ્રેસમાં આંતરકલહ અને રાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વ મુદ્દે અસંતોષ હવે જાહેર થઈ ચૂક્યો છે. પક્ષની અંદર બે જૂથ પડી ગયાં છે.
------------
પુડ્ડુચેરીમાં સરકારનાં પતન સાથે દક્ષિણ ભારતમાં કોંગ્રેસનાં હાથ ખાલી
 
એક સમયે કોંગ્રેસનાં ગઢ રહેલા દક્ષિણમાં આજે સાતેય રાજ્યમાં પક્ષ સત્તાહીન
આનંદ કે. વ્યાસ
નવીદિલ્હી,તા.22: પુડ્ડુચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ઘેરાયેલું રાજકીય સંકટ આજે કોંગ્રેસની સરકાર ગબડી જવા સાથે સમાપ્ત થયું છે. પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકારનાં પતન સાથે જ કોંગ્રેસે દક્ષિણ ભારતમાં કર્ણાટક બાદ બીજુ એક રાજ્ય પણ ગુમાવી દીધું છે. દક્ષિણને એકવાર કોંગ્રેસનાં મજબૂત ગઢ તરીકે જોવામાં આવતો હતો અને આજે સ્થિતિ એવી છે કે આ પ્રદેશનાં તમામ સાતેય રાજ્યોમાંથી કોંગ્રેસની બાદબાકી થઈ ગઈ છે. 2014માં લોકસભા ચૂંટણીમાં પરાજય બાદથી કોંગ્રેસ સત્તાની લડાઈમાં સતત ભાજપ સામે મહાત ખાઈ રહી છે. પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડને બાદ કરતાં આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ સત્તાબહાર છે. તેમાં પણ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તે સત્તામાં ભલે હોય પણ તેની ભૂમિકા અહીં અનુક્રમે નંબર ત્રણ અને નંબર બેની છે. એટલે કે તે મુખ્યભૂમિકામાં નથી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 1પ વર્ષનાં લાંબા ગાળા પછી સત્તા મળી હતી પણ આ સરકાર 1પ માસથી વધુ ટકી શકી નહોતી. જુલાઈ 2019માં કોંગ્રેસને ત્યારે ફટકો લાગ્યો જ્યારે કોંગ્રેસ-જેડીએસનાં ગઠબંધનનાં 17 વિધાયકોએ સાગમટે રાજીનામા આપી દીધા અને ગઠબંધન સરકાર વિધાનસભામાં વિશ્વાસમત પુરવાર કરવામાં વિફળ રહી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer