એક જ દી’એ મતગણતરીની માગણી સુપ્રીમકોર્ટમાં નામંજૂર

એક જ દી’એ મતગણતરીની માગણી સુપ્રીમકોર્ટમાં નામંજૂર
-કોંગ્રેસને ઝટકો : સુપ્રીમનો નિર્ણય માત્ર  કોંગ્રેસ નહીં લોકશાહી માટે ફટકો : નરેન્દ્ર રાવત
 
અમદાવાદ,તા.22 : ગુજરાત હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ 6 મનપાની  અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી એક દિવસે કરવાની કોંગ્રેસની અરજી ફગાવી દેતા કોંગ્રેસને મોટો ઝટકો પડયો છે. હવે 23 ફેબ્રુઆરીના રોજ 6 મનપાની  ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચના રોજ થશે. સુપ્રીમ કોર્ટે અરજદારની અરજીનું અવલોકન કરતા કાયદાની દ્રષ્ટિએ મુદ્દો વિચારવા જેવો પણ  આવતીકાલે મતગણતરી હોવાથી તેમાં હેસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો. 
અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવો જોઈએ.
રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે  ચૂંટણીપંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત સંસ્થા છે અને જો મતગણતરી અલગ અલગ દિવસે થાય તેનાથી કોઈનો બંધારણીય અધિકાર છીનવતો નથી. 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે. અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં મુશ્કેલી પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી.
રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં મનપાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને તેની મતગણતરી 23 ફૂબ્રુઆરીએ હાથ ધરાશે. નગરપાલિકાની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.
આ મુદ્દે કોંગ્રેસ પક્ષે નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે આ કોંગ્રેસ પક્ષ માટે ફટકો નથી લોકશાહી માટે ફટકો છે, બે ચૂંટણીના પરિણામો હોય તે અલગ અલગ તારીખે થાય અને બંને વચ્ચે એક ચૂંટણીનો ગેપ હોય તો પરિણામો પ્રભાવિત થાય છે. સુપ્રીમ કોર્ટના બેવડા નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરું છું.
આ મામલે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સુપ્રિમના નિર્ણયનો સ્વીકાર અને આવકાર કરે છે. જોકે, ભાજપ ક્યારેય પરિણામની તારીખોનું ચિંતા નથી કરતું. અમને વિશ્વાસ છે પરિણામો અમારી તરફેણમાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer